Top Newsઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં ખાલિદા ઝિયાની પાર્ટી BNPની પ્રચંડ જીત! તારિક રહેમાનનું PM બનવું નિશ્ચિત

ઢાકા: બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી ૧૩મી સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં તારિક રહેમાનની આગેવાની હેઠળની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) એ ભવ્ય વિજય મેળવીને સત્તા પર વાપસી કરી છે. ઓગસ્ટ ૨૦૨૪માં શેખ હસીનાના ૧૫ વર્ષ લાંબા શાસનના પતન બાદ યોજાયેલી આ પ્રથમ ચૂંટણીમાં જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. હાલના વલણો મુજબ, BNP બે-તૃતીયાંશ બહુમતી મેળવવાની દિશામાં છે, જ્યારે હરીફ ગઠબંધન ક્યાંય સ્પર્ધામાં દેખાઈ રહ્યું નથી.

ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો, કુલ ૨૯૯ બેઠકોમાંથી BNPએ અત્યાર સુધીમાં ૧૬૫ બેઠકો પર જીત મેળવી લીધી છે અને અન્ય બેઠકો પર તેની મજબૂત પકડ છે. બીજી તરફ, જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વ હેઠળના ૧૧ પક્ષોના ગઠબંધનને માત્ર ૪૫ બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ૧૭ વર્ષના દેશવટા બાદ પરત ફરેલા ખાલિદા ઝિયાના પુત્ર અને BNPના વડા તારિક રહેમાને ઢાકા-૧૭ અને બોગરા-૬ એમ બંને મહત્વની બેઠકો પર જીત મેળવી છે, જે બાદ તેમનું વડાપ્રધાન બનવું હવે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

આ ઐતિહાસિક વિજય છતાં તારિક રહેમાને પક્ષના કાર્યકરોને રસ્તા પર ઉતરીને ભવ્ય ઉજવણીને બદલે શાંતિ રાખવા અને શુક્રવારે જુમાની નમાજ બાદ સમગ્ર દેશમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવા સૂચના આપી છે. પક્ષના નેતાઓએ જણાવ્યું છે કે દેશ સામે હાલ ઘણી સામાજિક અને આર્થિક અસરોનો પડકાર છે, તેથી આ સમય ઉજવણીનો નહીં પરંતુ લોકોના સપના સાકાર કરવા માટે કામ કરવાનો છે.

ભારત પણ આ રાજકીય પરિવર્તન પર ખૂબ જ બારીકાઈથી નજર રાખી રહ્યું છે. શેખ હસીનાના સત્તાપતન બાદ બાંગ્લાદેશની પાકિસ્તાન અને ચીન સાથેની કથિત નિકટતા તેમજ ત્યાં વસતા લઘુમતીઓ અને હિંદુઓ પર થયેલા હુમલાઓને લઈને ભારત ચિંતિત છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારત મુક્ત, નિષ્પક્ષ અને સમાવેશી ચૂંટણીના પક્ષમાં છે. પરિણામોના સંપૂર્ણ વિશ્લેષણ બાદ ભારત બાંગ્લાદેશમાં ઉભા થયેલા વિવિધ મુદ્દાઓ પર આગળનો વિચાર કરશે.

ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં પ્રથમવાર શેખ હસીનાની પાર્ટી આવામી લીગ મેદાનમાં જોવા મળી ન હતી. ભારત દેશમાં આશરો લઈ રહેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ આ ચૂંટણીને “છેતરપિંડી અને નાટક” ગણાવી છે, જ્યારે અંતરિમ સરકારના વડા મોહમ્મદ યુનુસે તેને લોકશાહીની જીત ગણાવી છે. ૧૩મી સંસદીય ચૂંટણીની સાથે સાથે દેશમાં ૮૪ મુદ્દાના સુધારા પેકેજના અમલીકરણ માટે જનમત સંગ્રહ પણ યોજવામાં આવ્યો હતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button