Thailand earthquake: 33 માળની ઈમારત ધરાશાયી થવા સાથે ચીનનું શું કનેક્શન છે? થાઈલેન્ડ સરકારે તપાસ શરુ કરી…

બેંગકોક: શુક્રવારે મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપે ભારે તારાજી સર્જી છે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 7.7 માપવામાં આવી હતી. ભૂકંપને કારણે મ્યાનમારમાં 1700થી વધુ લોકોના મોત થયા છે, સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, એવામાં આ આંકડો હજુ પણ વધી શકે છે. આ ભૂકંપને કારણે થાઇલેન્ડમાં પણ ભારે વિનાશ સર્જાયો (Myanmar-Thailand Earthquake) છે. રાજધાની બેંગકોકમાં 33 માળની નિર્માણાધીન બિલ્ડીંગ (Building Collapse in Bangkok) ધરાશાયી થઇ ગઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે, માત્ર થોડી જ સેકન્ડ્સમાં બિલ્ડીંગ તૂટી પડે છે, જેના કારણે ધૂળના ગોટેગોટા ઉઠે છે. અહેવાલ મુજબ આ ઘટનામાં ઘણા શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
બેંગકોકની સંખ્યાબંધ ગગનચુંબી બિલ્ડીંગ્સ આવેલી હોવા છતાં, ભૂકંપને કારણે આ એકમાત્ર બિલ્ડીંગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી. જેના કરાણે સ્ટ્રક્ચરની મજબૂતી અંગે પ્રશ્નો ઉભા થયા છે. આ ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે. અહેવાલ મુજબ આ બિલ્ડીંગનું બાંધકામ ચીનની એક સરકારી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
ચીનની સરકારી કંપની સામે સવાલ:
આ બિલ્ડીંગ થાઇલેન્ડની સ્ટેટ ઓડિટ ઓફિસ માટે બનવવામાં આવી રહી હતી. અહેવાલ મુજબ આ બિલ્ડીંગનું બજેટ બે અબજ બાહ્ટ (થાઈલેન્ડનું ચલણ) હતું. આ પ્રોજેક્ટ થાઇલેન્ડની કંપની ‘ઇટાલિયન-થાઇ ડેવલપમેન્ટ પીએલસી (ITD)’ અને ચીનની ‘ચાઇના રેલ્વે નંબર 10 (થાઇલેન્ડ) લિમિટેડ’ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી રહ્યો હતો.
ચાઇના રેલ્વે નંબર 10 (થાઇલેન્ડ) લિમિટેડ એ ચીનની સરકારી માલિકીની કંપની ‘ચાઇના રેલ્વે નંબર 10 એન્જિનિયરિંગ ગ્રુપ’ ની પેટાકંપની છે, જેનો આ પ્રોજેક્ટમાં 49% હિસ્સો છે.
ચીનની આ કંપની અગાઉ પણ વિવાદમાં રહી છે:
ચીનની આ કંપનીની સ્થાપના 2018 માં થઈ હતી અને તે રેલ્વે, ઓફિસ બિલ્ડીંગ અને જાહેર રસ્તાઓ જેવા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. પરંતુ તાજેતરના નાણાકીય અહેવાલો મુજબ કંપની નુકશાનમાં ચાલી રહી હતી. 2023 માં કંપનીએ 199.66 મિલિયન બાહ્ટની ખોટ કરી હતી.
તપાસનો આદેશ:
થાઇલેન્ડના નાયબ વડા પ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે આ બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. નિષ્ણાતોની સમિતિને 7 દિવસમાં રિપોર્ટ સુપરત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સમિતિ તપાસ કરશે કે શું આ ઇમારતની ડિઝાઇન અને બાંધકામમાં કોઈ ખામી હતી? કે પછી ચીની કંપનીએ હલકી ગુણવત્તાવાળા મટીરીયલ ઉપયોગ કર્યો હતો?