Bangladesh માં હવે ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂકવાની માંગ, હાઇકોર્ટમાં અરજી
ઢાકા: બાંગ્લાદેશમાં(Bangladesh)હિંદુ પર થઇ રહેલા સતત હુમલાઓ વચ્ચે હવે ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મુકવાની અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં ભડકાઉ સમાચારોના પ્રસારણને ટાંકીને દેશમાં તમામ ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. જેમાં મીડિયા રિપોર્ટ મુજબ, વકીલ ઇખલાસ ઉદ્દીન ભુઈયાએ આ અંગે અરજી દાખલ કરી છે. ઇખલાસ ઉદ્દીન ભુઈયાએ કહ્યું કે જસ્ટિસ ફાતિમા નજીબ અને જસ્ટિસ સિકદર મહમુદુર રાઝીની બેંચ આ કેસની સુનાવણી કરી શકે છે.
ભારતીય ટીવી ચેનલો સામે અરજી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘કેબલ ટેલિવિઝન નેટવર્ક ઓપરેશન એક્ટ 2006’ની કલમ 29 હેઠળ હાઈકોર્ટમાં એક રિટ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં બાંગ્લાદેશમાં તમામ ભારતીય ટીવી ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાના નિર્દેશની માંગ કરવામાં આવી છે. જેમાં ‘સ્ટાર જલસા’, ‘સ્ટાર પ્લસ’, ‘ઝી બાંગ્લા’, ‘રિપબ્લિક બાંગ્લા’ અને અન્ય તમામ ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં હિંદુઓને જાનનો ખતરો, ઇસ્કોને આપી આવી સલાહ
ચેનલો નિયમોનું ઉલ્લંધન કરે છે
આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભારતીય ચેનલો પર ભડકાઉ સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે અને બાંગ્લાદેશી સંસ્કૃતિનો વિરોધ કરતી સામગ્રીના અનિયંત્રિત પ્રસારણથી યુવાનો પર નકારાત્મક અસર પડી રહી છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ચેનલો કોઈ નિયમોનું પાલન કરી રહી નથી. માહિતી અને ગૃહ મંત્રાલયના સચિવો, બાંગ્લાદેશ ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી કમિશન (BTRC) અને અન્યને અરજીમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે.