બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટનાઃ તપાસ પૂરી ના થાય ત્યાં સુધી જહાજ પર રહેવાનો ક્રૂ મેમ્બર્સને આદેશ

ન્યૂયોર્કઃ બાલ્ટીમોર બ્રિજ સાથે અથડાયેલ કન્ટેનર જહાજના 20 ભારતીય અને એક શ્રીલંકાના ક્રૂ મેમ્બર અકસ્માતની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જહાજ પર જ રહેશે. જહાજમાં કુલ 21 લોકો સવાર હોવાની પુષ્ટી કરવામાં આવી હતી. ક્રૂ મેમ્બર્સ ઘટનાની તપાસમાં સહકાર આપી રહ્યા છે.
કાર્ગો જહાજ ‘ડાલી’ 26 માર્ચની સવારે બાલ્ટીમોરમાં પટપ્સકો નદી પરના 2.6 કિમી લાંબા ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે અથડાયું હતું. 984 ફૂટનું કાર્ગો જહાજ કોલંબો જવાનું હતું.
ગ્રેસ ઓશન પીટીઈ અને સિનર્જી મરીનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સમયે અમને ખબર નથી કે તપાસ પ્રક્રિયામાં કેટલો સમય લાગશે. તપાસ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ક્રૂ મેમ્બર્સ જહાજ પર રહેશે.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જહાજ ડાલીમાં કુલ 20 ભારતીય સવાર હતા અને વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ તેમના અને સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે. ગયા અઠવાડિયે યુએસ અધિકારીઓએ ડાલી જહાજમાં સવાર ક્રૂની પૂછપરછ શરૂ કરી હતી.
સિનર્જી ગ્રુપે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે એનટીએસબી બુધવારે જહાજ પર પહોંચ્યું અને તપાસ માટે સંખ્યાબંધ દસ્તાવેજો એકઠા કર્યા હતા.
ગ્રેસ ઓસન એન્ડ સિનર્જીએ જહાજમાં સવાર તમામ કર્મચારીઓ સુરક્ષિત હોવાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે એક સભ્યને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જેને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
અથડામણ દરમિયાન બ્રિજ પર ખાડાઓનું સમારકામ કરી રહેલા છ સભ્યોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ડાઇવર્સે નદીમાંથી બે મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે અન્ય ચારની શોધ હજુ ચાલુ છે.