Baltimore Bridge Collapse: યુએસ પ્રમુખ જો બાઇડેન, ગવર્નરે ભારતીય ક્રૂ સભ્યોની પ્રશંસા કરી

બાલ્ટીમોરઃ યુએસ પ્રમુખ જો બાઇડેને અને પ્રાંતના ગવર્નરે બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટનાના દુર્ઘટનાગ્રસ્ત જહાજ પર સવાર ભારતીય ક્રૂ સભ્યોનો આભાર માન્યો હતો કે તેઓ સત્તાવાળાઓને સમયસર ચેતવણી આપી શક્યા કે તેઓએ તેમના જહાજ પરનું નિયંત્રણ ગુમાવ્યું છે. યુએસ પ્રમુખ જો બાઇડેન અને ગવર્નર વેસ મૂરે એ જહાજના ક્રૂના સભ્યોને હીરો તરીકે બિરદાવ્યા હતા.
નોંધનીય છે કે બાલ્ટીમોર (મેરીલેન્ડ) માં સર્જાયેલી કરૂણાંતિકામાં પટાપ્સકો નદીનો પુલ તૂટી પડ્યો હતો. ડાઉનટાઉન બાલ્ટીમોરથી બચવા માંગતા ડ્રાઇવરો માટે ન્યુ યોર્ક અને વોશિંગ્ટન વચ્ચેનો મુખ્ય માર્ગ ગણાતો પુલ મંગળવારે સવારે લગભગ 1.30 વાગ્યે (યુએસ સ્થાનિક સમય) ડાલી નામના કન્ટેનર જહાજને કારણે તૂટી પડ્યો હતો, જેમાં 22 ભારતીય ક્રૂ સભ્યો હતા.
સ્થાનિક સમય અનુસાર સવારે 1:30 વાગ્યે એક કન્ટેનર જહાજબ્રિજના પીલર સાથે અથડાતા આ દુર્ઘટના થઇ હતી અને પુલના માળખાને પણ ગંભીર નુક્સાન થયું હતું અને પુલ પટાપ્સકો નદીમાં તૂટી પડ્યો હતો. આ સમયે જહાજ પરના 22 ભારતીય ક્રૂ સભ્યએ સ્થાનિક સત્તાવાળાઓને ચેતવણી આપતો સંદેશ મોકલ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓએ તેમના જહાજ પરનું નિયંત્રણ ગુમાવી દીધું છે.
ક્રૂના સભ્યોએ સમયસર ચેતવણી સંદેશી મોકલી આપતા બાલ્ટીમોરના સત્તાવાળાઓએ સમયસર પગલાં લેતા બ્રિજ પરથી જતા અનેક કાર સવાર લોકોના જીવ બચવા પામ્યા હતા. એમ જાણવા મળ્યું હતું કે બાલ્ટીમોર બ્રિજ ધરાશાયી થતાં છ કામદારો ગુમ થયા હતા. તેમને શોધવા માટે નદીમાં સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું હતું, જેને 18 કલાકની શોધખોળ બાદ સ્થગિત કરવામાં આવ્યું હતું. કોસ્ટ ગાર્ડ અને પોલીસે જણાવ્યું હતું કે નદીના આવા ઠંડા પાણીમાં આટલા કલાક બાદ પણ જિવીત રહેવું શક્ય નથી.