628 રૂપિયાની સેન્ડવિચ ખાધી અને ટીપમાં આપ્યા છ લાખ રૂપિયા…

હેડિંગ વાંચીને જ ચકરાઈ ગયા ને? કે ભાઈ 628 રૂપિયાની સેન્ડવિચ ખાઈને 6 લાખ રૂપિયા ટીપ કોણ આપે? તમને પણ આવું કારનામું કરનાર મહાન વ્યક્તિને મળવવા જ જઈ રહ્યા છીએ. આ વ્યક્તિને મળવા માટે આપણે પહોંચી જવું પડશે જ્યોર્જિયા. જ્યોર્જિયાની એક મહિલાએ સબવેમાંથી 628 રૂપિયાની સેન્ડવિચ ખાધી હતી અને બદલામાં આ મહિલા છ લાખ રૂપિયાની ટીપ આપી ગઈ હતી.
પણ જો તમે એવું માની રહ્યા છો મામલો એવો નથી. મહિલાએ ભૂલથી 7000 ડોલરની ટીપ આપી દીધી હતી. એ સમયે મહિલાના હોંશ ઉડી ગયા જ્યારે તેણે બિલ જોયું. વેરા કોનર નામની મહિલાએ એક સ્થાનિક ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સ્ક્રીન પર છ ડિઝિટ જોઈને મને લાગ્યું કે તે સબવે લોયલ્ટી પોઈન્ટ્સ છે. પરંતુ ઓર્ડર સ્ક્રીન અચાનક ટિપમાં બદલાઈ ગઈ.
વેરાને એવું લાગ્યું કે સબવેની કાર્ડ મશીનમાં ફોન નંબર નાખતી વખતે તેનાથી કોઈ ભૂલ થઈ ગઈ હશે, કારણ કે ટિપના ડિજિટ તેના ફોન નંબર સાથે મેચ કરતાં હતા. બસ પછી શું? વેરાએ તરત જ પોતાની બેંક અને સબવે સ્ટોરમાં ફોન કર્યો. પરંતુ મુશ્કેલી સોલ્વ થવાને બદલે વધતી જ ગઈ કે જ્યારે બેંકવાળાએ વેરાની ફરિયાદ તરફ આંખ આડા કાન કર્યા હતા.
બીજી બાજું સબવેના મેનેજરે પણ વેરાને એવો જવાબ આપીને પોતાની જવાબદારીથી હાથ ઉંચા કરી દીધા હતા કે હવે જે કંઈ પરણ કરી શકે છે એ બેંક જ કરી શકે છે. જોકે, એક અઠવાડિયાની લડાઈ બાદ આખરે વેરાને ટીપમાં આપી દીધેલા વધારાના પૈસા પાછા મેળવવામાં સફળતા મળી હતી.