ઈઝરાયલ અને હમાસના યુદ્ધની વચ્ચે આ દેશના રાષ્ટ્રપતિ પર જીવલેણ હુમલો
ગાઝા સિટીઃ આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયલ વચ્ચે એક મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે તાજેતરમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસના કાફલા પર જીવલેણ હુમલો થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. અજાણ્યા હુમલાખોરોએ રાષ્ટ્રપતિને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં રાષ્ટ્રપતિનો આબાદ બચાવ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
અજાણ્યા હુમલાખોરોએ સુરક્ષા કર્મચારીઓ પણ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરો દ્વારા ચલાવવામાં આવેલી એક ગોળી રાષ્ટ્રપતિ અબ્બાસના બોડીગાર્ડને પણ વાગી હતી, ત્યારબાદ તે જમીન પર પડી ગયો હતો.
મહમૂદ અબ્બાસે રવિવારે વેસ્ટ બેંકમાં અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકનની સાથે મીટિંગ કરી હતી. બ્લિન્કનની સાથે તેમની આ મુલાકાતમાં અબ્બાસે ઈઝરાયલ તરફથી ગાઝા પરના હુમલા રોકવાની અપીલ કરી હતી.
ગાઝામાં ઈઝરાયલ અને હમાસની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
ગઈકાલે એટલે મંગળવારે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહબૂદ અબ્બાસની સામે હત્યા કરવાનો અજાણ્યા લોકોએ પ્રયાસ કર્યો હતો. એક અખબારના અહેવાલ અનુસાર વેસ્ટ બેંકમાં સંસ ઓફ અબુ જંદાલે મહમૂદ અબ્બાસને ઈઝરાયલની સામે એક્શન લેવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો.
અબ્બાસે ઈઝરાયલની સામે કોઈ એક્શન નહીં લીધા પછી ડેડલાઈન પૂરી થઈ ગઈ ગયા પછી તેમના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ હુમલાની જવાબદારી સન ઓફ અબુ જુંદાલ નામના સંગઠને લીધી હતી, જ્યારે આ હુમલામાં એક બોડીગાર્ડને પણ ગોળી વાગી હતી.