ઇન્ટરનેશનલ

અરૂણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીનને ભારતનો પ્રદેશ બતાવવતા ચીન થયું નારાજ, કહ્યું કે…..

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ ચીન હવે બાંગ્લાદેશ પર દબાણ લાવી રહ્યું છે. બાંગ્લાદેશની સરકારી શાળાઓના પુસ્તકોમાં અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ દર્શાવવા સામે ચીને વાંધો વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં સર્વે વિભાગની વેબસાઈટ પરના નકશાઓ સામે પણ તેણે વાંધો ઉઠાવ્યો છે જેમાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ચીને જણાવ્યું છે કે આ બંને ભાગો તેના છે.

બાંગ્લાદેશે શું કહ્યું?:-

હકીકતમાં આ બંને ભાગો ભારતના છે જેના પર ચીન પોતાની આદતને કારણે વિવાદો ઉભા કર્યા કરે છે. આ મામલે બાંગ્લાદેશે ચીનને જવાબ આપ્યો હતો અને કોઈપણ ફેરફાર કરવાનો હાલના તબક્કે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તક બૉર્ડની સલાહ લીધી છે. નવા પાઠ્યપુસ્તકોની છાપકામની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હોવાથી તાત્કાલિક સુધારા શક્ય નથી.

આ ઉપરાંત બાંગ્લાદેશના પુસ્તકો અને વેબસાઈટના નકશામાં હોંગકોંગ અને તાઈવાનને પણ સ્વતંત્ર દેશો તરીકે દર્શાવવામાં આવ્યા હતા જેના પર ચીને ચિંતા વ્યક્ત કરી હતી કારણ કે ચીન બંને દેશો પોતાના હોવાનો દાવો કરતો આવ્યો છે.

ચીનની વિસ્તરણ વાદી નીતિ અને ખોટા દાવાઓથી સમગ્ર વિશ્વ પરેશાન છે ભારતનો પડોશી દેશ હોવાને કારણે ડ્રેગન હંમેશા ખોટા દાવાઓ કરતો રહે છે. ક્યારેક તે પૂર્વ લદાખમાં સરહદને લઈને તણાવ પેદા કરે છે તો ક્યારેક તે અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે. આ ઉપરાંત દક્ષિણ સમુદ્ર તાઇવાન, હોંગકોંગ વગેરેને લઈને ચીન અને અન્ય પ્રદેશો વચ્ચે વિવાદો છે.

આ પણ વાંચો : ભારતે યુનુસ સરકારને આપ્યો રોકડો જવાબ: બાંગ્લાદેશનું વાતાવરણ બગાડશો નહીં…

નિષ્ણાતો શું માને છે?:-

નિષ્ણાતો જણાવે છે કે ચીને જે નકશાઓને ખોટા ગણાવ્યા છે તે બાંગ્લાદેશમાં લાંબા સમયથી ઉપયોગમાં છે. ચીન બાંગ્લાદેશમાં બદલાયેલી પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન મોહમ્મદ યુનુસના વહીવટ પર દબાણ લાવીને નિયમોમાં ફેરફાર કરાવવા માંગે છે. ચીનનો હેતુ બાંગ્લાદેશના ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધોનો લાભ લેવાનો છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button