30 કલાકની જહેમત બાદ હાઈજેક કરાયેલી ટ્રેનમાંથી તમામ મુસાફરોને બચાવાયા; 33 આતંકીઓ ઠાર

ક્વેટા: પાકિસ્તાનના બલુચિસ્તાનના બોલાન જિલ્લામાં BLA બળવાખોરો દ્વારા હાઇજેક કરાયેલી જાફર એક્સપ્રેસના તમામ 346 બંધકોને પાકિસ્તાન સેનાએ સફળતાપૂર્વક મુક્ત કરાવ્યા છે. આ બચાવ કામગીરીમાં 33 આતંકીઓ માર્યા ગયા હતા, જ્યારે 28 સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં 27 સૈનિકો ટ્રેનમાં મુસાફરો તરીકે મુસાફરી કરી રહ્યા હતા. આ ઓપરેશન દરમિયાન એક સૈનિકે પોતાનો જીવ ગુમાવ્યો.
33 આતંકીઓ માર્યા ગયા
પાકિસ્તાન આર્મીના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ બુધવારે ઓપરેશનની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે સેનાની કાર્યવાહી દરમિયાન કોઈ મુસાફરને ઇજા નથી પહોંચી. જ્યારે તમામ આતંકીઓ માર્યા ગયા છે, તેમની સંખ્યા 33 હતી. જો કે 21 જેટલા મુસાફરોનાં મોત થયા હતા.
આતંકવાદીઓ માસ્ટરમાઇન્ડ સાથે સંપર્કમાં
વધુમાં તેમણે જણાવ્યું હતું કે “આ આતંકવાદીઓ સેટેલાઇટ ફોન દ્વારા ઓપરેશન દરમિયાન અફઘાનિસ્તાનમાં તેમના સમર્થકો અને માસ્ટરમાઇન્ડ સાથે સંપર્કમાં હતા. ગઈકાલે સાંજે આતંકવાદીઓ પાસેથી લગભગ 100 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા અને આજે પણ મોટી સંખ્યામાં મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે આ બચાવ પ્રક્રિયા સતત ચાલી રહી હતી.
તમામ આતંકીઓ ઠાર
ઓપરેશન દરમિયાન ઘણા આતંકીઓ બચવાનાં પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ સેનાની ઘેરાબંધીને કારણે અંતે તેમણે આત્મસમર્પણ કર્યું હતું. જો કે સેનાએ તમામ આતંકીઓને ઠાર કર્યા હતા. BLA લાંબા સમયથી બલૂચિસ્તાનમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ અલગાવવાદી આંદોલન ચલાવી રહ્યા છે. આ સંગઠન પહેલા પણ અનેક હુમલાઓ કરી ચૂક્યું છે. પરંતુ જાફર એક્સપ્રેસ હુમલા બાદ પાકિસ્તાન સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીથી BLAને મોટો ફટકો પડ્યો છે. સુરક્ષા એજન્સીઓ હજુ પણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે જેથી બાકી રહેલો કોઈ આતંકવાદી નાસી ન શકે.