આ દેશની આર્મી ટેંક નહીં ટ્રેક્ટર ચલાવશે જાણો કારણ
ઇસ્લામાબાદઃ પાડોશી દેશ પાકિસ્તાન ખાદ્ય અન્ન કટોકટીથી ત્રસ્ત છે. દેશના લોકોને બે ટંક ખાવાનાં સાં.. સાં… પડી ગયા છે, તેથી હવે પાક સેનાએ ત્યાં ખેતી કરવાનું નક્કી કર્યું છે. આ માટે પાક સેનાએ એક મોટો પ્લોટ લીઝ પર લીધો છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાને પંજાબમાં 400,000 હેક્ટરથી વધુ જમીન પર સેનાને 30 વર્ષની લીઝ આપવા માટે કરાર કર્યો હતો. જમીનનો આ પ્લોટ દિલ્હી કરતા ત્રણ ગણો વિસ્તાર જેટલો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મહિનાની શરૂઆતમાં સેના દ્વારા અન્ય એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત સેના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અશાંત દક્ષિણ વજીરિસ્તાનમાં 17,000 હેક્ટરથી વધુ જમીન પર ખેતી કરશે. હવે સવાલો ઉઠી રહ્યા છે કે દક્ષિણ વઝીરિસ્તાનમાં સેના દ્વારા લેવામાં આવેલી જમીન તો મોટા ભાગે હરિયાળી વિનાનો જટિલ ટેકરીઓ અને શિખરો ધરાવતો ખરબચડો વિસ્તાર છે, જ્યાં સખત ઉનાળો અને શિયાળામાં કડકડતી ઠંડી હોય છે અને જ્યાં સિંચાઈની કોઈ વ્યવસ્થા નથી ત્યાં સેના કેવી રીતે સક્ષમ થશે કે મોટા પાયે ખેતી કરી શકશે એ મોટો સવાલ છે.
અહેવાલમાં પ્રદેશની કૃષિ ઉત્પાદકતા વધારવાની અને ખાધઅન્ન બાબતમાં આત્મનિર્ભર થવાની વાત જણાવવામાં આવી છે
શરૂઆતમાં પાક આર્મી માટે 1000 એકર જમીન પર ખેતી કરશે અને જો આમાં સફળ રહેશે તો પછી દક્ષિણ વઝીરિસ્તાનના ઝરમલમ પ્રદેશમાં 41,000 એકર (17,000 હેક્ટર) પર પણ ખેતીનો વિસ્તાર કરશે. આ વિસ્તાર વર્ષોથી ઉજ્જડ છે.
આ વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદની નજીક સ્થિત છે. અહીં આતંકવાદીઓ છે, જેઓ સેનાના જવાનો પર હુમલા કરીને તેમને નિશાન બનાવે છે. નોંધનીય છે કે 75 વર્ષના પાકિસ્તાનના ઇતિહાસમાં અહીં સૈન્યએ અડધાથી વધુ સમય સુધી શાસન કર્યું છે અને સુરક્ષા અને વિદેશ નીતિની બાબતો પર તેની મજબૂત પકડ છે. આવી સ્થિતિમાં, અર્થવ્યવસ્થા અને કૃષિ ક્ષેત્રે સેનાના આ પગલાથી ઘણા લોકોની ભ્રમર ખેંચાઇ છે. ખાદ્ય સંકટની ઝપેટમાં રહેલું પાકિસ્તાન 2023ના ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં 125 દેશોમાંથી 102મા ક્રમે છે. પાકિસ્તાન હાલમાં એવા સંજોગોનો સામનો કરી રહ્યું છે જ્યાં મોટા પાયે ખાદ્યપદાર્થોની કટોકટી છે અને વિક્રમજનક મોંઘવારી અને વધતી જતી ગરીબીથી ત્રસ્ત જનતા, મફત લોટ મેળવવા માટે સરકારી વિતરણ કેન્દ્રો પર હજારોની સંખ્યામાં ભેગી થાય છે.
છેલ્લા કેટલાક મહિનામાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જ્યારે પાકિસ્તાનમાં લોટ જેવી વસ્તુઓને લઈને નાસભાગ મચી ગઈ છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. એવું માનવામાં આવે છે કે પરિસ્થિતિને સુધારવા અને લોકોની નજરમાં પોતાની છબી સુધારવાના પ્રયાસમાં પાક સેનાને ખેડૂત બનવાની આ નવી ભૂમિકા મળી છે. છેલ્લા છ મહિનામાં પાકિસ્તાની સેનાએ પણ દેશની કથળતી અર્થવ્યવસ્થાને સ્થિર કરવાના પ્રયાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
દેશની અર્થતંત્રમાં માળખાકીય સુધારા લાવવા માટે પાકિસ્તાની આર્મી ચીફ પણ પ્રયત્નશીલ છે. પાકિસ્તાની સેનાએ ઉજ્જડ અને બિનઉપજાઉ જમીન પર ખેતી કરીને દેશને ખાધ ઉત્પાદનની દિશામાં આત્મનિર્ભર બનાવવાના પ્રયાસમાં આ પગલું ભર્યું છે.