ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં ભારે હિંસા અને હિંદુઓના ઘરોને આગચંપી વચ્ચે દેશની કમાન આર્મીના હાથમાં, કરી પ્રેસ કોન્ફરન્સ

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાજકીય બળવો થયો છે. પીએમ શેખ હસીનાએ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને સેનાએ કમાન સંભાળી લીધી છે. એવી અટકળો ચાલી રહી છે કે શેખ હસીના ભારત આવી શકે છે. જોકે, ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ભારત થઈને લંડન જઈ શકે છે. શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશના આર્મી ચીફે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે અમે વચગાળાની સરકાર બનાવીશું અને દેશ અત્યારે વચગાળાની સરકાર ચલાવશે. આ સિવાય આર્મી ચીફે તમામ પક્ષોની બેઠક પણ બોલાવી હતી. આર્મી ચીફે કહ્યું હતું કે અમે તમામ પક્ષો સાથે વાત કરી છે. આંદોલનકારીઓની માંગણીઓ પર વિચાર કરવામાં આવશે. આર્મી ચીફે પણ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં સત્તાપલટોઃ પીએમ શેખ હસીનાએ રાજીનામું આપ્યું, દેશ છોડ્યો

સેના સાથેની ચર્ચામાં મુખ્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર હતા. જોકે, આ બેઠકમાં પીએમ શેખ હસીનાની પાર્ટીનો કોઈ પ્રતિનિધિ હાજર નહોતો. આર્મી ચીફે વિદ્યાર્થીઓને શાંત રહેવા અને ઘરે પાછા જવા વિનંતી કરી છે. બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, દેશમાં કર્ફ્યુ કે કોઈ ઈમરજન્સીની જરૂર નથી. આજ રાત સુધીમાં સંકટનો ઉકેલ શોધી લેવામાં આવશે. પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે, તેથી હવે દેશનું સંચાલન વચગાળાની સરકાર કરશે. હિંસા દ્વારા કોઈ ઉકેલ નહીં આવે. તમે લોકો શાંતિ જાળવી રાખો અને દેશની જનતા અમને સહકાર આપે. લોકોએ કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ. બાંગ્લાદેશ આર્મીમાં વિશ્વાસ રાખો. સેના દેશની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે જે પણ અન્યાય થયો છે, અમે તેના પર વિચાર કરીશું.

બાંગ્લાદેશના વડા પ્રધાને રાજુનામું આપી દેશ છોડ્યા બાદ પણ દેખાવકારો શાંત નથી પડ્યા. દેખાવકારો બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની પ્રતિમાને તોડતા પણ જોવા મળ્યા હતા. વિરોધીઓ એટલા ગુસ્સામાં છે કે તેઓ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા પર ચઢી ગયા હતા અને હથોડીથી પ્રતિમાને ખંડિત કરી નાખી હતી.

આર્મીના જણાવ્યા મુજબ બાંગ્લાદેશમાં આજે જ વચગાળાની સરકાર રચાઈ રહી છે. વચગાળાની સરકારમાં 18 લોકોને સામેલ કરવામાં આવ્યા છે. આમાં પત્રકારોનો પણ સમાવેશ થાય છે. બેંકિંગ, પત્રકારત્વ, એન્જિનિયરિંગ, વકીલો અને શિક્ષણ સહિત અનેક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને વચગાળાની સરકારમાં સામેલ કરવામાં આવ્યા છે. દરમિયાન એવા પણ સમાચાર છે કે બાંગ્લાદેશમાં દેખાવકારો ઢાકામાં હિન્દુઓના ઘરોમાં ઘૂસવા લાગ્યા છે. હિન્દુઓના ઘરોને આગ લગાડવામાં આવી રહી છે. ત્યાં જબરદસ્ત હિંસા ચાલી રહી છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં બબાલઃ હિંસા-વિરોધ વકરતા 91 લોકોનાં મોત, 300 ઈજાગ્રસ્ત

ભારત સરકાર બાંગ્લાદેશમાં થતી દરેક ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત જાણકારી આપવામાં આવી રહી છે. વિદેશ પ્રધાન એસ જયશંકર બાંગ્લાદેશની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને ઘટનાક્રમ અંગે સતત અપડેટ અને અધિકારીઓ સાથે બેઠકો ચાલુ છે. વિદેશ મંત્રી પીએમઓને સતત દરેક અપડેટ આપી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button