આર્જેન્ટિનાને મળ્યા નવા રાષ્ટ્રપતિ: ચીન અને બ્રાઝિલ માટે કપરા ચઢાણ?
આર્જેન્ટીના: આર્જેન્ટીનામાં યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જમણેરી નેતા જેવિયર મિલેએ જીત મેળવી છે. આર્જેન્ટિનાના લોકોએ ફુગાવો, સતત વધતી જતી મંદી અને ભીષણ ગરીબીથી પીડિત એવા પોતાના દેશના અર્થતંત્રને સુધારવા માટે ક્રાંતિકારી વિચારો ધરાવતા બહારના વ્યક્તિને ચૂંટ્યા છે.
સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ અનુસાર, પરિણામોના સત્તાવાર આંકડા મુજબ જેવિયર મિલેને લગભગ 56% વોટ મળ્યા હતા જ્યારે તેમના હરીફ સર્જિયો માસ્સાને 44% કરતા થોડા વધુ વોટ મળ્યા. બંને વચ્ચે ખૂબ નજીકની હરિફાઇ રહેશે તેવું ભવિષ્ય ભાખનારા લોકોને આ પરિણામે ચોંકાવી દીધા હતા. આર્જેન્ટીના હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ ચૂંટણીમાં જેવિયરે લોકોને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવા માટે ઘણા વચનો આપ્યા છે, જેમાં આર્જેન્ટીનાની સેન્ટ્રલ બેંકને નાબૂદ કરવા અને નવી સિસ્ટમ લાગુ કરવાનો પણ સમાવેશ થાય છે.
આર્જેન્ટીનાના નવા રાષ્ટ્રપતિ જેવિયર મિલેને ચીનના વિરોધી માનવામાં આવે છે. ચીન સિવાય તેઓ બ્રાઝિલની પણ ઘણી ટીકા કરે છે. જેવિયરે અનેક વખત નિવેદન આપ્યું છે કે તે કોઈપણ સામ્યવાદી દેશ સાથે કોઈ સોદો કરશે નહીં. જોકે ચૂંટણી જીત્યા બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડીસિલ્વાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન, સર્જિયો માસાએ પોતાની હાર સ્વીકારી લીધી છે અને જેવિયરને દેશના આગામી રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
જેવિયર મિલે પોતાના આગવા અંદાજ માટે પ્રખ્યાત છે. તેઓ ભૂતકાળમાં ઘણીવાર રેલીઓમાં કરવત સાથે લઇને ફરતા જોવા મળેલા છે. પ્રજાલક્ષી નીતિઓમાં પોતાની આક્રમકતા દર્શાવવા માટે તેઓ કરવત રાખતા. જો કે, બાદમાં કરવતને કારણે તેમની ઉદારવાદી છબીને નુકસાન પહોંચાડવાનો ડર હતો. જે પછી તેમણે કરવત સાથે રાખવાનું છોડી દીધું.