કેનેડામાં સિંગર એ પી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ કરનારની ધરપકડ
કેનેડામાં ગાયક એપી ધિલ્લોનના ઘરે ફાયરિંગ કરવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. એપી ધિલ્લોનનું ઘર કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના વેનકુવરમાં છે.
Also read: કેનેડામાં પંજાબી સિંગર AP Dhillon ના ઘરની બહાર ફાયરિંગ, સિંગરે આપી પ્રતિક્રિયા
પોલીસે 30 ઓક્ટોબરે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ વિનીપેગ શહેરના રહેવાસી અબજીત કિંગરા તરીકે થઈ છે, જે કેનેડાના મેનિટોબાનો રહેવાસી છે. તેના પર કેટલાક વાહનોમાં આગ લગાવવાનો પણ આરોપ છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં અન્ય આરોપીની શોધ ચાલી રહી છે. કેનેડિયન પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અબજીત કિંગરાની ઓન્ટારિયોમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે 1 સપ્ટેમ્બર, 2024ના રોજ ‘બ્રાઉન મુંડે…’, ‘સમર હાઈ…’ ગીત ફેમ સિંગર એપી ધિલ્લોનના ઘરની બહાર ગોળીબાર થયો હતો. સિંગર ધિલ્લોનનું ઘર કેનેડાના વાનકુવરમાં છે. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. હુમલાખોરોએ સિંગર ધિલ્લોનના ઘરની બહાર આ ઘટનાને અંજામ આપ્યો હતો. હુમલા બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગે વાયરલ પોસ્ટ દ્વારા તેની જવાબદારી લીધી હતી. ફાયરિંગની ઘટના ધિલ્લોનના નવા મ્યુઝિક વિડિયો ‘ઓલ્ડ મની’ રિલીઝ થયાના થોડા સમય બાદ બની હતી. આ વીડિયોમાં સલમાન ખાને પણ કામ કર્યું હતું.
એપી ધિલ્લોનના ઘરે ફાયરિંગ સમયે કેનેડામાં જ્વેલર્સના બંગલાની બહાર ફાયરિંગની પણ ઘટના બની હતી, જેની તપાસ કેનેડા પોલીસ કરી રહી છે. ફેસબુક પર એક વાયરલ પોસ્ટમાં, કેનેડામાં એપી ધિલ્લોનના ઘરની બહાર થયેલા હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈની ગેંગના રોહિત ગોદારાએ લીધી હતી. ગોદારાએ દાવો કર્યો હતો કે તેણે ધિલ્લોનને સલમાન ખાન સાથે કામ ન કરવા કહ્યું હતું. ગોદારાએ તાજેતરમાં એપી ધિલ્લોનને સલમાન ખાન સાથેના તેના કથિત સંબંધોને ટાંકીને તેને “મર્યાદામાં રહેવા” ચેતવણી આપી હતી. ફેસબુક પર એક પોસ્ટ કરવામાં આવી હતી કે, ‘બધા ભાઈઓને રામ રામજી.
1 સપ્ટેમ્બરની રાત્રે, અમે કેનેડામાં બે સ્થળોએ ગોળીબાર કર્યો, જેમાંથી એક વિક્ટોરિયા આઇલેન્ડ અને વુડબ્રિજ ટોરોન્ટો છે. હું, રોહિત ગોદારા (લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ) આની જવાબદારી લઉં છું. પોસ્ટમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે તમે લોકો જે અંડરવર્લ્ડ લાઇફની નકલ કરો છો, અમે ખરેખર તે જીવન જીવી રહ્યા છીએ. તમારી મર્યાદામાં રહો નહીંતર તમે કૂતરાના મોતે મરશો.