ઇન્ટરનેશનલટોપ ન્યૂઝપેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

ભારતીય મહિલા કુસ્તીબાજોના માથે પનોતી: અંતિમ પંઘાલની પૅરિસમાંથી હકાલપટ્ટી કેમ થઈ?

પૅરિસ: અહીંની ઑલિમ્પિક ગેમ્સમાં ભારતની મહિલા કુસ્તીબાજોના માથે દશા બેઠી છે. 50 કિલો વર્ગમાં રેસલર વિનેશ ફોગાટનું વજન 100 ગ્રામ વધુ રહેતાં તેને ફાઈનલમાંથી ગેરલાયક ઠરાવાઈ અને તે ઐતિહાસિક ગોલ્ડ/સિલ્વર મેડલ ચૂકી ગઈ ત્યાર બાદ હવે 53 કિલો વર્ગની અંતિમ પંઘાલ નામની કુસ્તીબાજ સામે અશિસ્તનું પગલું ભરીને તેને તેની ચાર મેમ્બરની ટીમ સાથે ભારત પાછી મોકલવામાં આવી રહી છે.

અંતિમ પંઘાલ બુધવારે પ્રથમ રાઉન્ડમાં જ હારી ગઈ હતી. જોકે એક અહેવાલ મુજબ તેણે પોતાનું ઍક્રિડિટેશન કાર્ડ ઑલિમ્પિક વિલેજની બહાર રહેતી પોતાની બહેનને વાપરવા માટે આપ્યું હતું. તેની બહેન એ કાર્ડ પર સપોર્ટ સ્ટાફને લઈને ઑલિમ્પિક વિલેજમાં પ્રવેશી રહી હતી ત્યારે સિક્યોરિટી ઑફિસરે તેને રોકી હતી અને અટકમાં લીધી હતી.

અંતિમ પંઘાલની બહેનને ઑલિમ્પિક વિલેજ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા બાદ ઇન્ડિયન ઓલિમ્પિક અસોસિયેશન (આઈઓએ)ના અધિકારીઓએ મહા મહેનતે તેને થોડા કલાકો બાદ છોડાવી હતી.

જોકે સત્તાધીશોએ અંતિમ પંઘાલનું ઍક્રિડિટેશન કાર્ડ રદ કરીને તેને તેની આખી ટીમ સાથે તાબડતોબ ભારત પાછી મોકલવાની સૂચના આઈઓએને આપી હતી. એક સ્થાનિક અધિકારીના જણાવ્યા મુજબ પંઘાલ અને તેની ટીમને હોટલની બહાર જવાની મનાઈ કરાઈ છે અને તેમની ભારત માટેની પ્લેનની ટિકિટ બુક કરી દેવાઈ છે.

અહેવાલ અનુસાર પંઘાલના પર્સનલ કોચે સલામતી સંબંધિત એક નિયમનો ભંગ પણ કર્યો હોવાનું મનાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button