અમેરિકામાં ખાલિસ્તાન વિરોધી બિઝનેસમેનનું રહસ્યમય સંજોગોમાં મોત, કોણ હતા સુખી ચહલ ?

કેલિફોર્નિયા : અમેરિકામાં ખાલિસ્તાન વિરોધી બિઝનેસમેનનું રહસ્યમય સંજોગોમાં મોત થતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. જેમાં મળતી માહિતી અનુસાર સુખી ચહલનું અવસાન અચાનક તબિયત બગડતા થયું હતું.તેમના નજીક મિત્ર જસપાલ સિંહે જણાવ્યું હતું કે ગુરુવારે એક પરિચીતના ઘરે ભોજન કર્યા બાદ તબિયત અચાનક બગડી હતી. તેની બાદ તેમનું મૃત્યુ થયું હતું. તેમજ આ પૂર્વે તેમની તબિયત સારી હતી.
ખાલિસ્તાન વિચાર ધારાના પ્રખર વિરોધી
કેલિફોર્નિયાના નિવાસી સુખી ચહલ ખાલિસ્તાન વિચાર ધારાના પ્રખર વિરોધી હતા.તેમણે અમેરિકા અને કેનેડામાં ખાલિસ્તાન મુવમેન્ટનો સતત વિરોધ કર્યો છે. જેના લીધે તે હંમેશા ચર્ચા અને વિવાદોમાં રહ્યા છે. તેમના નિધનથી
ભારત સમર્થક સમુદાયોમાં શોક ફેલાયો છે. જયારે ખાલિસ્તાન સમર્થક સમૂહ મૌન છે અને કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી.
બિઝનેસમેન અને ધ ખાલસા ટુડેના સ્થાપક
સુખી ચહલ બિઝનેસમેન અને ધ ખાલસા ટુડેના સ્થાપક અને સીઈઓ હતા. આ ઘટના બાદ તેમના કેટલાક મિત્રોએ જણાવ્યું હતું કે સુખી ચહલને ખાલિસ્તાન સમર્થક જૂથો તરફથી વારંવાર જાનથી મારવાની ધમકીઓ આપવામાં આવતી હતી. સુખી ચહલ તાજેતરમાં વોશિંગ્ટન ડીસીમાં 17 ઓગસ્ટના રોજ યોજાનારા ખાલિસ્તાન સમર્થનના કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા હતા.
શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યું
આ દરમિયાન પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. તેમજ મૃત્યુનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસે શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યું છે. તેની બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. સુખી ચહલ ભારતીયોને સતત અમેરિકામાં કાયદાઓનું પાલન કરવાની સલાહ આપતા હતા.
આ પણ વાંચો…કેનેડામાં કપિલ શર્માના Cap’s Cafe પર ફાયરિંગ: ખાલિસ્તાની આતંકીએ લીધી જવાબદારી, પોલીસ તપાસ શરૂ