પાકિસ્તાનમાં ઈઝરાયલ વિરોધી દેખાવોઃઈસ્લામાબાદ, રાવલપિંડીમાં ઈન્ટરનેટ બંધ કરાયું | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં ઈઝરાયલ વિરોધી દેખાવોઃઈસ્લામાબાદ, રાવલપિંડીમાં ઈન્ટરનેટ બંધ કરાયું

રાવલપિંડી: છેલ્લા ઘણા દિવસોથી પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ હવે સ્થિતિ વણસી રહી છે, દેશના અનેક ભાગોમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ પીઓકેમાં ઉઠેલા વિરોધ બાદ હવે આ વિરોધની આગ છેક રાજધાની ઇસ્લામાબાદ નજીક રાવલપિંડી સુધી પહોંચી ચૂકી છે અને ટીએલપી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલી માર્ચને કાબૂમાં લેવા માટે સરકારે ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

મળતી વિગતો અનુસાર, ટીએલપી પાર્ટીએ ઇસ્લામાબાદમાં અમેરિકી દૂતાવાસ બહાર ઇઝરાયલ વિરુદ્ધ એક મોટું પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ પંજાબ પોલીસે પાર્ટીના વડા સા’દ હુસૈન રિજવીની ધરપકડ કરી હતી અને લાહોરમાં પાર્ટીના હેડક્વાર્ટર પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસ અને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે સંઘર્ષ થયો હતો અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે અખત્યાર કરેલા કડક વલણના વિરોધઆમ હિંસક પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યું હતું.

ત્યારબાદ પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના ટેલિકોમ્યુનિકેશન આયોગ દ્વારા અડધી રાતથી જ ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાના નિર્દેશ આપ્યા હતા. ગૃહ પ્રધાન મોહસીન નકવીએ પણ આ નિર્ણયને મંજૂરી આપી હતી, જેના પરિણામે સુરક્ષા કારણોસર બંને શહેરોમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. રાજધાની લાહોરમાં પ્રવેશ અને બહાર નીકળવાના તમામ માર્ગો પણ સીલ કરી દેવામાં આવ્યા છે.

કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને હિંસા તેમજ અવ્યવસ્થાને રોકવા માટે પંજાબમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર સ્થળો, શેરીઓ અને ખુલ્લા વિસ્તારોમાં ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે જ હથિયારો કે લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો…પાકિસ્તાનમાં આતંકવાદી હુમલોઃ લેફ્ટનન્ટ કર્નલ, મેજર સહિત 11 જવાનનાં મોત

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button