યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષામાં ફરી મોટી ચૂક! ફ્લોરિડામાં રિસોર્ટ પરથી 3 વિમાન પસાર થયા

વોશિંગ્ટન ડીસી: ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પહેલા, ચૂંટણી પ્રચાર દરમિયાન પેન્સિલવેનિયામાં તેમના પર ગોળી ચલવવામાં આવી હતી, સદભાગ્યે તેઓ બચી ગયા હતાં. હવે યુએસનું રાષ્ટ્રપતિ પદ સાંભળ્યા બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા (Donald Trump Security Lapse) ચિંતા બની છે, એવામાં ફ્લોરિડામાં ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક થઇ હતી.
અહેવાલ મુજબ ફ્લોરીડામાં તેમના માર-એ-લાગો રિસોર્ટ પર ત્રણ સિવિલિયન એરક્રાફ્ટ્સે નો ફ્લાઈંગ ઝોનનું ઉલ્લંઘન કર્યું હતું. આ પછી નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) એ F-16 ફાઇટર જેટ મોકલ્યા હતાં. અહેવાલ મુજબ, F-16 ફાઇટર જેટ્સે ત્રણ સિવિલિયન એરક્રાફ્ટ્સને વિસ્તારમાંથી બહાર કાઢ્યા હતાં.
રિપોર્ટ અનુસાર, સવારે 11.05, બપોરે 12.10 અને બપોરે 12.50 વાગ્યે હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ત્રણેય વિમાનો પામ બીચના એરસ્પેસમાં કેમ ઉડી ગયા તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી.
અહેવાલ મુજબ, F-16 વિમાનોએ સિવિલિયન એરક્રાફ્ટ્સને એરસ્પેસમાંથી બહાર ગયા પછી ટ્રમ્પ તેમના રિસોર્ટ પહોંચ્યા હતાં.
આ પણ વાંચો…અમેરિકા સાથે સંબંધ બગડ્યા બાદ ઝેલેન્સકીને મળ્યો આ શક્તિશાળી દેશનો ટેકો; વડાપ્રધાને ગળે લગાવ્યા
અગાઉ પણ થઇ છે ચૂક:
એક સ્થાનિક મીડિયા આઉટલેટના અહેવાલ મુજબ, ગત મહિનામાં ટ્રમ્પની માર-એ-લાગોની મુલાકાત દરમિયાન શહેર ઉપર ત્રણ વખત એરસ્પેસનું ઉલ્લંઘન થયું હતું. 15 ફેબ્રુઆરીના રોજ બે ઉલ્લંઘન થયા અને 17 ફેબ્રુઆરીના રાષ્ટ્રપતિ દિવસના દિવસે એક ઉલ્લંઘન થયું.
નોંધનીય છે કે ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટમાં કેટલાક ગુપ્ત દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા, બઈડેન સત્તામાં હતાં એ દરમિયાન FBI દ્વારા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.