અમેરિકામાં અન્ય એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ, આ વર્ષની 10મી ઘટના
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કોઇ જાણીતા કારણ વગર અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ થઇ રહ્યા છે. અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. આ વર્ષની આ 10મી ઘટના છે. આ ઘટના ઓહાયો સ્ટેટમાં બની છે. વિદ્યાર્થીના મૃત્યુ અંગે માહિતી આપતા ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ ઉમા સત્ય સાઈ ગડ્ડે તરીકે થઈ છે. વિદ્યાર્થીના મોતનું કારણ જાણવા તપાસ ચાલુ છે. વિદ્યાર્થીના મૃત્યુ અંગે શોક વ્યક્ત કરતા કોન્સ્યુલેટે કહ્યું કે વિદ્યાર્થીના મૃતદેહને ભારત લઈ જવા સહિત પરિવારને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.
મળતી માહિતી મુજબ, ઉમા ઓહાયો રાજ્યના ક્લીવલેન્ડમાં અભ્યાસ કરતી હતી. તેમના મૃત્યુના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીના મૃતદેહને વહેલી તકે ભારત લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા પણ એક અન્ય ભારતીય વિદ્યાર્થી ક્લીવલેન્ડથી ગુમ થઈ ગયો હતો અને તેની મુક્તિ માટે પરિવાર પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી. તાજેતરના અઠવાડિયામાં, અમેરિકામાં ભારતીય અને ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મૃત્યુની ઘટનાઓ વધી છે. તેનાથી ભારત અને ભારતીય અમેરિકન સમુદાયમાં ચિંતા વધી છે. અમેરિકાના જ્યોર્જિયામાં 25 વર્ષના વિવેક સૈનીની ડ્રગ એડિક્ટ દ્વારા હત્યા કરવામાં આવી હતી. 19 વર્ષીય શ્રેયસ રેડ્ડી બેનિગર ઓહાયોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. નીલ આચાર્ય પરડ્યુ યુનિવર્સિટી કેમ્પસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ભારતીય અમેરિકન મૂળના અકુલ ધવનનો મૃતદેહ ઇલિનોઇસ યુનિવર્સિટીની બહારથી મળી આવ્યો હતો. ભારતીય અમેરિકન સ્ટુડન્ટ સમીર કામથનો મૃતદેહ મળી આવ્યો હતો. માર્ચમાં આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના બુરીપાલેમના રહેવાસી 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થી અભિજીત પરચુરુની અમેરિકામાં હત્યા કરવામાં આવી હતી.
ભારતીય વિદ્યાર્થીઓના કમનસીબ મોત થવાની ઘટનાઓને કારણે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા 300,000 થી વધુ ભારતીય મૂળના વિદ્યાર્થીઓ ચિંતિત છે.