ખાલિસ્તાન મુદ્દે દેશની ટોચની સંસ્થાની તાકીદની બેઠક, બનાવી આ યોજના…
નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાના સંબંધો ડામાડોળ થયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ભારતની મોદી સરકાર હવે આ ખાલિસ્તાની આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. આથી પંજાબમાંથી અલગતાવાદ અને ખાલિસ્તાની આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરવા માટે ભારત સરકા મોટી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે.
ભારત સરકાર પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદીઓને અંકુશમાં લેવા માટે દેશની તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને બેઠક યોજવા જઈ રહી છે. આ બેઠકમાં ખાલિસ્તાની ગતિવિધિઓ, આતંકવાદી ગતિવિધિઓ, ફંડિંગ અને ગેંગસ્ટર્સને ખતમ કરવાની યોજના બનાવવામાં આવશે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા 5 થી 6 ઓક્ટોબરે રાજધાની દિલ્હીમાં આ મોટી બેઠક બોલાવવામાં આવશે.
આ બેઠકમાં દેશભરના ATS ચીફ, NIA ચીફ, IB ચીફ, RAW ચીફ અને રાજ્યોના ATS (એન્ટી ટેરર સ્ક્વોડ)ના વડાઓ ભાગ લેશે. આ બેઠકમાં વિદેશી ધરતી પરથી ખાલિસ્તાની-આતંકવાદી અને ગેંગસ્ટરની સાંઠગાંઠ સામે કાર્યવાહી કરવા માટે મજબૂત રણનીતિ બનાવવામાં આવશે. બેઠકમાં પંજાબ, રાજસ્થાન, હરિયાણા, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હી એનસીઆરમાં ખાલિસ્તાનો આતંકવાદનો સંપૂર્ણ સફાયો કરવાની યોજના બનાવવામાં આવશે. IB અને NIA અને ATS મળીને આતંકવાદી ગતિવિધિઓના ઇનપુટ્સ એકબીજા સાથે શેર કરશે. NIAએ આવા 19 ખાલિસ્તાની આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી જેઓ અલગ-અલગ દેશોમાં બેસીને ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે.
કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર હત્યાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ત્યારબાદ ભારતીય ગુપ્તચર એજન્સીઓએ એક ડોઝિયર બહાર પાડ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે નિજ્જરે કેનેડાની ધરતી પર તેની સંસ્થામાં લોકોને તાલીમ, ધિરાણ અને સંચાલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ભારત સરકારે કેનેડા સરકારને ખાલિસ્તાની તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઘણી વખત વિનંતી કરી છે.