ભિખારીને આશરો આપવા બદલ અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીને મળ્યું મોત
Indian Student Killed In America: અમેરિકાના જ્યોર્જિયામાં વિવેક સૈની નામના ભારતીય વિદ્યાર્થીની 18 જાન્યુઆરીના રોજ હથોડાના ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ હતી. વિવેક એક સ્ટોરમાં કામ કરતો હતો અને તેને વાંક એટલો જ હતો કે તેણે કડકડતી ઠંડીમાં બહાર ધ્રુજી રહેલા એક ભિખારીને આશરો આપ્યો હતો.
મીડિયા અહેવાલો મુજબ, મૃતક વિવેક સૈની લિથોનિયામાં સ્નેપફિંગર-ક્લીવલેન્ડ રોડ પર આવેલા એક ફૂડ માર્ટમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. તેણે 53 વર્ષીય જુલિયન ફોકનર નામના એક ભિખારીને અસહ્ય ઠંડી પડતી હોવાને લીધે માનવતા દાખવી સ્ટોરમાં અંદર પ્રવેશવા દીધો હતો. આમ થોડા દિવસો સુધી ચાલ્યું એ પછી એક દિવસ જ્યારે વિવેક સ્ટોર બંધ કરીને ઘરે જવા નીકળતો હતો ત્યારે જુલિયને તેના પર હથોડા વડે હુમલો કરી દીધો હતો. વિવેકને ચહેરા પર અને મગજમાં ગંભીર ઇજા થઇ હતી.
ફૂડ માર્ટના એક કર્મચારીએ પોલીસને જણાવ્યું હતું કે કડકડતી ઠંડીમાં રસ્તા પર સૂઇ રહેલા જુલિયનને જોઇને વિવેકને દયાભાવ સાથે તેને સ્ટોરમાં અંદર બોલાવ્યો હતો. આ ઉપરાંત તેને ખાવાપીવાનું પણ આપ્યું હતું. તે આખો દિવસ સ્ટોર પર બેસી રહેતો હતો અને અમે 2 દિવસ સુધી તેની મદદ કરી હતી.
અમુક મીડિયા અહેવાલો એવું પણ જણાવે છે કે વિવેકે સતત તેને આશરો આપ્યા બાદ તેને જતા રહેવાનું કહ્યું હતું, ભિખારી નશાખોર હતો અને વિવેકે જવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો. આમ, આવેશમાં આવી જઇને તેણે વિવેકની હત્યા કરી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે તે હથોડો લઇને જ ઉભો હતો. પોલીસે હાલ તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.