ઇન્ટરનેશનલસ્પોર્ટસ

આજે ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવા બાબતે લેવાયો મહત્વનો નિર્ણય…

મુંબઇ: વર્લ્ડ કપ વચ્ચે, ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ના એક્ઝિક્યુટિવ બોર્ડે શુક્રવારે 13 ઓક્ટોબરે આ પ્રસ્તાવને મંજૂરી આપતા કહ્યું હતું કે ક્રિકેટને સત્તાવાર રીતે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યું છે. એટલે ક્રિકેટ હવે ઓલિમ્પિકમાં પણ રમાડવામાં આવશે. 2028માં અમેરિકાના લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિકમાં પણ ચાહકોને ક્રિકેટનો રોમાંચ જોવા મળશે.

મુંબઈમાં આયોજિત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશનના સત્રમાં ક્રિકેટનો સત્તાવાર રીતે લોસએન્જલસ ઓલિમ્પિક 2028માં સમાવેશ કરવામાં આવ્યો છે. IOC એક્ઝિક્યુટિવ બોર્ડની થોમસ બાચની અધ્યક્ષતામાં 13 ઓક્ટોબરના રોજ મુંબઈમાં બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. મુંબઈમાં આયોજિત IOC સત્રમાં મતદાન થયું હતું. ત્યારબાદ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. થોમસ બાચે મતદાન બાદ જણાવ્યું હતું કે IOCના બે સભ્યોએ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું જ્યારે એક સભ્ય ગેરહાજર રહ્યો હતો. આ સિવાય બીજા બધા આ પ્રસ્તાવ માટે સંમત થયા છે.


આ ઉપરાંત ઓલિમ્પિકમાં ક્રિકેટ સહિત 5 રમતોનો સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો હતો. ક્રિકેટ, બેઝબોલ-સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ અને સ્ક્વોશ જેવી રમતોને 2028 ઓલિમ્પિકમાં સમાવેશ માટે મંજૂરી આપવામાં આવી હતી.

અગાઉ 1900માં પેરિસ ઓલિમ્પિકમાં માત્ર એક જ વખત ક્રિકેટ રમાઈ હતી. ફેબ્રુઆરી 2023માં IOC દ્વારા પસંદ કરાયેલી 28 રમતોમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, પરંતુ IOC દ્વારા જુલાઈમાં સમીક્ષા કરવામાં આવનાર 9 રમતોની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યા બાદ ઓલિમ્પિક્સમાં ક્રિકેટના સમાવેશની આશા વધી ગઈ હતી.

ક્રિકેટ એક એવી રમત છે જે વિશ્વની લગભગ અડધી વસ્તી દ્વારા રમવામાં આવે છે, પરંતુ ક્રિકેટ માત્ર એક જ વાર વૈશ્વિક રમતનો ભાગ બની છે. 1900માં ઇંગ્લેન્ડે પેરિસમાં યજમાન ફ્રાન્સને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પછી આ ફોર્મેટ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટનું હતું અને તે બે દિવસમાં ચાર ઇનિંગ્સમાં રમવામાં આવતું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button