અમેરિકન ટેરિફના કમઠાણ: ભારતીય રોકાણકારોના ₹ 11.30 લાખ કરોડનું ધોવાણ

મુંબઇ: આ મહિનાની શરૂઆતથી રોકાણકારોની સંપત્તિમાં 11.30 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે, અને બીએસઈ બેન્ચમાર્ક સેન્સેક્સમાં લગભગ બે ટકાનો કડાકો બોલાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા એક રેસિપ્રોકલ ટેરિફ યોજનાના અમલની જાહેરાત બાદ એક તરફ ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધ વકરવાની ચિંતા વચ્ચે વિશ્ર્વભરના શેરબજારોમાં કડાકા બોલાઇ ગયા હતા.
ટેરિફ અમલી બનવાની તારીખ બીજી એપ્રિલથી, બીએસઈ બેન્ચમાર્ક ઇન્ડેક્સ 1,460.18 પોઈન્ટ અથવા 1.90 ટકા ઘટ્યો છે. ઇક્વિટીમાં અનિશ્ર્ચિતતાને પગલે, આ સમયગાળા દરમિયાન બીએસઈ-લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ 11,30,627.09 કરોડ રૂપિયા ઘટીને 4,01,67,468.51 કરોડ (4.66 ટ્રિલિયન ડોલર)ની સપાટીએ પહોંચ્યું છે.
અમેરિકા દ્વારા વધારાની આયાત જકાત 90 દિવસના સ્થગિત રાખવાની જાહેરાતને કારણે સુધરેલા માહોલમાં શુક્રવારે બેન્ચમાર્ક સૂચકાંકો લગભગ બે ટકા ઊછળ્યા હતા. દસમી એપ્રિલે શ્રી મહાવીર જયંતિ અને 14 એપ્રિલે ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિને કારણે બજારો બે વાર બંધ રહ્યા હતા.
ટ્રમ્પે એપ્રિલના પહેલા અઠવાડિયામાં એક ટેરિફ પ્લાન જાહેર કર્યો. બાદમાં વ્હાઇટ હાઉસે ચીન સિવાય મોટાભાગના દેશો માટે પારસ્પરિક ટેરિફ પર 90 દિવસનો વિરામ જાહેર કર્યો હતો. ચીને તેના પ્રત્યાઘાતમાં અમેરિકન ચીજોની આયાત પર 125 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો હતો. શુક્રવારે ચીને યુએસ માલ પરનો વધારાનો ટેરિફ વધારીને 125 ટકા કર્યો, જે અમેરિકાના 145 ટકા લેવીનો બદલો હતો. ટ્રમ્પ દ્વારા વૈશ્ર્વિક સ્તરે રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત પછી, બજારોમાં નવા નાણાકીય વર્ષની શરૂઆત ખરાબ રહી. વૈશ્ર્વિક બજારોમાં ભારે નુકસાન જોવા મળ્યું અને ભારત પણ મુક્ત નહોતું. અમેરિકાએ બીજી એપ્રિલે, યુએસમાં પ્રવેશતા ભારતીય માલ પર 26 ટકા વધારાના ટેરિફની જાહેરાત કરી. પરંતુ નવમી એપ્રિલના રોજ, ટ્રમ્પ વહીવટીતંત્રે આ વર્ષે નવમી જુલાઈ સુધી ભારત પર આને 90 દિવસ માટે સ્થગિત કરવાની જાહેરાત કરી. જોકે,અગાઉ લાદવામાં આવેલી 10 ટકા બેઝલાઇન ટેરિફ યથાવત્ રહેશે.
આપણ વાંચો: ભારતીય શેરબજારમા તોફાની તેજી, સેન્સેક્સ અને નિફ્ટીમા બમ્પર ઉછાળો