વોશિંગ્ટનમાં વિમાન દુર્ઘટના; અમેરિકન એરલાઇન્સનું વિમાન હેલિકોપ્ટર સાથે અથડાયું
વોશિંગ્ટન ડીસી: યુએસના પાટનગર વોશિંગ્ટન ડીસી ખાતેના રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ પર વિમાન દુર્ઘટનાના અહેવાલો (Washington DC Airplane crash) મળી રહ્યા છે. અહેવાલ મુજબ લેન્ડિંગ કરતી વખતે અમેરિકન એરલાઇન્સનું (American Airlines) એક જેટ હવામાં હેલિકોપ્ટર સાથે અથડાયું હતું.
આ પણ વાંચો: Plane Crash Video: દક્ષિણ કોરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, 47ના મોત
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા મુજબ આ અથડામણ રાત્રે 9 વાગ્યાની આસપાસ (સ્થાનિક સમય) થઈ હતી. કેન્સાસના વિચિટાથી ટેક ઓફ કરીને જેટ એરપોર્ટ રનવે નજીક આવી રહ્યું હતું ત્યારે સેનાના બ્લેકહોક હેલિકોપ્ટર સાથે અથડાયું હતું.
એરપોર્ટ ઓપરેટરે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, એરફિલ્ડ પર બનેલી ઘટના બાદ વોશિંગ્ટન રોનાલ્ડ રીગન એરપોર્ટે તમામ વિમાનોના ટેક-ઓફ અને લેન્ડિંગ સ્થગિત કરી દેવામાં આવ્યા છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે એક ન્યુઝ ચેનલને જણાવ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ અંગે માહિતી આપવામાં આવી છે.
યુએસ સેનેટર ટેડ ક્રુઝે જણાવ્યું હતું કે દુર્ઘટનામાં કેટલાક લોકોના મોત થયા છે, પરંતુ તે હજુ સુધી સ્પષ્ટ નથી કે કેટલા લોકો વિમાનમાં સવાર હતા.
નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે જણાવ્યું હતું કે તેઓ આ ઘટના અંગે વધુ માહિતી એકત્રિત કરી રહ્યા છે.
અમેરિકન એરલાઇન્સે સોશિયલ મીડિયા પર પણ જણાવ્યું હતું કે તેઓ આ ઘટના પર ધ્યાન આપી રહ્યા છે અને વધુ માહિતી શેર કરશે.