UNમાં અમેરિકાએ વિટો વાપરીને પાકિસ્તાન-ચીનના માસ્ટરપ્લાન પર પાણી ફેરવ્યું, ફ્રાન્સ અને બ્રિટન પણ ન આવ્યા પડખે

ઇસ્લામાબાદ: પાકિસ્તાની સેનાના નાકમાં દમ કરી દેનાર બલૂચ લિબરેશન આર્મી અને તેની મજીદ બ્રિગેડને સંયુક્ત રાષ્ટ્ર (UN)ની પ્રતિબંધ સૂચિ 1267માં સામેલ કરવાના પ્રસ્તાવ પર અમેરિકાએ વીટો લગાવી દીધો છે. આ પ્રસ્તાવ પાકિસ્તાન અને તેના સહયોગી ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રજૂ કરવામાં આવ્યો હતો. અમેરિકાની સાથે બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોએ પણ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો, જેના કારણે તે નિષ્ફળ ગયો હતો.
અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનનો વિરોધ
સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધ સમિતિ 1267 હેઠળ એવી જોગવાઈ છે કે અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધ ધરાવતા આતંકી સંગઠનો પર જ પ્રતિબંધ મૂકી શકાય છે. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને આ જ દલીલ આપીને જણાવ્યું હતું કે BLA અને તેની આત્મઘાતી ટુકડી મજીદ બ્રિગેડનો અલ-કાયદા કે ઇસ્લામિક સ્ટેટ સાથે કોઈ સંબંધ નથી. તેથી, આ સંગઠનોને આ સૂચિમાં સામેલ કરી શકાય નહીં.
પાકિસ્તાનના રાજદ્વારી આસિમ ઇફ્તિખાર અહેમદે દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં આતંકી સંગઠનોના 60 કરતાં વધુ ઠેકાણાં છે, જેમાં બલૂચ સંગઠનો પણ સામેલ છે. જોકે, અમેરિકાએ સ્પષ્ટ કર્યું કે તપાસમાં બલૂચ લિબરેશન આર્મીનો અલ-કાયદા કે ઇસ્લામિક સ્ટેટ સાથે કોઈ સંબંધ જોવા મળ્યો નથી.
ચીન-પાકિસ્તાનને મોટો ઝટકો
ઉલ્લેખનીય છે કે ભારત ઘણી વખત પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાની માગ કરી ચૂક્યું છે, પરંતુ ચીન હંમેશા તેમાં અવરોધ ઊભો કરતું આવ્યું છે. આ પ્રથમ વખત એવું બન્યું છે કે ચીન અને પાકિસ્તાનના સંયુક્ત પ્રયાસોને અમેરિકાએ આ રીતે ઝટકો આપ્યો હોય. બલૂચિસ્તાનમાં લાંબા સમયથી સ્વતંત્રતાની માગ ચાલી રહી છે, અને બલૂચ લિબરેશન આર્મી આ માગને લઈને બળવો કરી રહી છે. અમેરિકાએ BLA ને આતંકી સંગઠન જાહેર કર્યું હોવા છતાં, આ પ્રતિબંધની સૂચિમાં તેનો સમાવેશ કરવાનો ઇનકાર કર્યો હતો.
આપણ વાંચો: અમેરિકાએ ભારત પર લાદેલા ટેરિફમાં રાહતની આશા, પારસ્પરિક ટેરિફ પણ ઘટશે