અમેરિકામાં જજે આરોપીને સંભળાવી જેલની સજા તો આરોપીએ કર્યું કંઈક એવું કે…

દુનિયાની કોઈ પણ અદાલતમાં આરોપીને જ્યારે જજ દ્વારા સજા સંભળાવવામાં આવે છે ત્યારે આરોપી માથું નીચે કરીને સજાનો સ્વીકાર કરતો હોય છે પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે ખરું કે જજ આરોપીને કેદની સજા સંભળાવી હોય અને આરોપીએ ગુસ્સામાં આવીને જજની જ કોર્ટરૂમમાં ધોલાઈ કરી નાખી હોય? નહીં ને? આજે અમે અહીં તમને આવા જ એક કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે.
જેલ જવાની સજા સંભળાવવા માટે એક આરોપી એટલો બધો ઉગ્ર થઈ ગયો હતો કે તેણે કોર્ટરૂમમાં મહિલા જજને માર મારવાનું શરૂ કરી દીધું હતું અને જજને બચાવવાના પ્રયાસમાં એક સુરક્ષાકર્મચારી ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ચોંકાવનારી આ ઘટના અમેરિકાના નેવાડાની એક કોર્ટમાં બની હતી અને એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
મળી રહેલી માહિતી અનુસાર 30 વર્ષીય દેવબરા રેડડેન પર ત્રણ વખત બેટરી ચોરવાનો આરોપ હતો. ગયા બુધવારે ક્લાર્ક કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જજ મેરીના હોલ્થસ સામે તેમને રજૂ કરવામાં આવ્યા હતા. વકીલોની દલીલ સાંભળીને જજે દેવબરાને દોષી જાહેર કરીને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
આરોપી જજ દ્વારા સંભળાવવામાં આવેલી આ સજા સાંભળીને એટલો બધો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે કોર્ટરૂમમાં જ જજને માર મારવાનો શરૂ કર્યો હતો. વાઈરલ વીડિયોમાં જજને જમીન પર પાડીને આરોપીએ ખૂબ જ ગંદી રીતે માર માર્યો હતો. કોર્ટરૂમમાં આ આટલું બધું ઝડપથી બની ગયું હતું કે ત્યાં હાજર સુરક્ષાકર્મચારીઓને જજને બચાવવાનો મોકો પણ મળ્યો નહોતો.
આ આખી ઘટના કોર્ટમાં લગાવવામાં આવેલી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં મહિલા જજને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હોવાની માહિતી સાંભળવા મળી રહી છે અને એમને બચાવનારા માર્શલના ખભા પર પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું કહેવાઈ રહ્યું છે.