અમેરિકામાં ચાલી રહેલા શટડાઉનના પગલે ફલાઈટમાં વિલંબ, લોકો પરેશાન…

ન્યુયોર્ક : અમેરિકામાં ચાલી રહેલા શટડાઉનના લીધે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જેમાં હવે એર ટ્રાફિક કન્ટ્રોલરની અછતના લીધે ફલાઈટ સંચાલનમાં મુશ્કેલી ઉભી થઈ છે. જેના લીધે ફ્લાઈટના સમયમાં વિલંબ થઈ રહ્યો છે. જેમાં ન્યુયોર્ક શહેરના નેવાર્ક એરપોર્ટ પર ફલાઈટના સમયમાં બે થી ત્રણ કલાકનો વિલંબ થઈ રહ્યો છે. આ વિલંબના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
557 ફલાઈટ રદ કરવામાં આવી
ન્યુયોર્ક શહેરના ઇમરજ્ન્સી પ્રબંધન કાર્યાલયે જણાવ્યું કે નેવાર્ક એરપોર્ટ પર ફ્લાઈટ વિલંબની અસર અન્ય વિસ્તારની હવાઈ સેવા પર પણ પડી રહી છે. તેમજ ન્યુયોર્કથી થઈને આગળ મુસાફરી કરી રહેલા યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ફલાઈટ અવેર વેબસાઈટે જણાવ્યું છે કે રવિવાર સાંજ સુધી અમેરિકામાં 4295 સ્થાનિક અને આંતર રાષ્ટ્રીય ફ્લાઈટ વિલંબના લીધે 557 ફલાઈટ રદ કરવામાં આવી છે.
માત્ર 69 ટકા ફલાઈટ સમયસર સંચાલિત
અમેરિકાના શટડાઉનના પગલે માત્ર 69 ટકા ફલાઈટ સમયસર સંચાલિત થઈ રહી છે. જયારે 2.5 ટકા ફલાઈટ રદ કરવામાં આવી છે. અમેરિકાના ટ્રાન્સપોર્ટ મંત્રી સીન ડફીએ ચેતવણી આપી કે જેટલો લાંબો સમય શટડાઉન ચાલશે તેટલો
સમય મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડશે.
1 ઓક્ટોબરના રોજથી શટડાઉન શરૂ
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં 1 ઓક્ટોબરના રોજથી શટડાઉન શરૂ થયું છે. જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના સભ્યોએ ટૂંકા ગાળાની નાણાકીય સહાયની દરખાસ્તને નકારી કાઢી અને માંગ કરી કે બિલમાં એફોર્ડેબલ કેર એક્ટ હેઠળ આરોગ્ય વીમા માટે ફેડરલ સબસિડીનો વિસ્તાર શામેલ કરવામાં આવે. હાલમાં શટડાઉનના લીધે અમેરિકાના અર્થતંત્રને ભારે અસર પડી રહી છે. તેમજ લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.



