ઈઝરાયેલ ઇરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી, અમેરિકાએ ઇરાનના ત્રણ પરમાણુ સ્થળો પર એર સ્ટ્રાઈક કરી…

તહેરાન : ઈઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આખરે અમેરિકાએ પણ ઝંપલાવ્યું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલા કર્યા છે. અમેરિકાએ ઈરાનના ત્રણ મોટા પરમાણુ ઠેકાણા ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર હવાઈ હુમલો કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેને સફળ હુમલો ગણાવ્યો છે.
અમેરિકન યોદ્ધાઓને અભિનંદન
ઇરાન પરના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અમે ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો – ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર સફળતાપૂર્વક હુમલો કર્યો છે. આ હુમલા પછી બધા વિમાનો હવે ઈરાનના હવાઈ ક્ષેત્ર છોડી ચૂક્યા છે. ફોર્ડોના પરમાણુ ઠેકાણા પર બોમ્બનો સંપૂર્ણ પેલોડ ફેંકી દેવામાં આવ્યો છે. આ બધા વિમાનો સુરક્ષિત રીતે પાછા ફરી રહ્યા છે. આપણા મહાન અમેરિકન યોદ્ધાઓને અભિનંદન. દુનિયામાં બીજી કોઈ સેના આ કરી શકતી નથી. હવે શાંતિનો સમય છે. આ મુદ્દા પર ધ્યાન આપવા બદલ આભાર.
અમેરિકાએ હુમલામાં B-2 બોમ્બરનો ઉપયોગ કર્યો
અમેરિકાએ ઈરાનના આ પરમાણુ સ્થળો પર હુમલો કરવા B-2 બોમ્બરનો ઉપયોગ કર્યો હતો. આ હુમલા પહેલા એવી માહિતી હતી કે અમેરિકાએ મિઝોરીના વ્હાઇટમેન એરફોર્સ બેઝથી ગુઆમમાં તેના શક્તિશાળી B-2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર મોકલ્યા છે. ત્યારે ઈરાન પર હુમલાની શક્યતા વધી ગઈ હતી. ગુઆમ પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં અમેરિકાનો એક મહત્વપૂર્ણ લશ્કરી કેમ્પ છે. આ લશ્કરી કેમ્પ મધ્ય પૂર્વની ખૂબ નજીક છે.
સૌથી સુરક્ષિત પરમાણુ સ્થળ ફોર્ડો પર હુમલો
અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યો છે તેમાં ફોર્ડોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે ઈરાનનો સૌથી સુરક્ષિત પરમાણુ સ્થળ છે. ઈરાનનો આ પરમાણુ સ્થળ વર્ષ 2009 માં શોધવામાં આવ્યું હતું. આ પરમાણુ સ્થળ જમીનથી લગભગ અડધો માઇલ નીચે એક પહાડી વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે.તેથી તેને માન્ય બોમ્બમારાથી વધુ નુકસાન ન થાય. પરંતુ અમેરિકાએ આ પરમાણુ સ્થળ પર બોમ્બનો સંપૂર્ણ પેલોડ ફેંકી દીધો છે. આના કારણે ઘણું નુકસાન થવાની આશંકા છે.
આપણ વાંચો : ઇઝરાયલ સામેના યુદ્ધમાં ઈરાને ભારતને કરી મોટી અપીલ, પાકિસ્તાનને પણ આપ્યો મેસેજ