ટ્રમ્પનો ભારતને વધુ એક ફટકો, H1 B વિઝા માટે હવે વાર્ષિક 90 લાખની અધધધ ફી

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ સતત આકરા નિર્ણયોનો રહ્યો છે. ત્યારે શુક્રવારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો, જેના અનુસાર હવે H-1B વિઝા માટે અરજી કરનારને $1,00,000 એટલે કે લગભગ ₹90 લાખની ફી ચૂકવવી પડશે. આ નિર્ણયનો હેતુ અમેરિકન નાગરિકોને નોકરીમાં પ્રાથમિકતા આપવા અને વિઝા પ્રોગ્રામનો દુરુપયોગ રોકવાનો હોવાનું અમેરિકન સરકારે જણાવ્યું હતું.
વ્હાઇટ હાઉસમાંથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં ટ્રમ્પે કહ્યું, “આ પગલું સુનિશ્ચિત કરશે કે ફક્ત એવા જ લોકો આવે જેમની આપણને ખરેખર જરૂર છે. આનાથી કંપનીઓને અમેરિકન કર્મચારીઓને નોકરી પર રાખવા પ્રોત્સાહન મળશે, પરંતુ સાથે જ વિશેષ ક્ષેત્રોમાં ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશી કામદારો માટે પણ માર્ગ ખુલ્લો રહેશે.”
ગોલ્ડ કાર્ડ નામના નવા ઇમિગ્રેશન માર્ગની જાહેરાત
આ મોટા નિર્ણય સાથે, અમેરિકન રાષ્ટપ્રમુખ ટ્રમ્પે “ગોલ્ડ કાર્ડ” નામના નવા ઇમિગ્રેશન માર્ગની પણ જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ કોઈપણ વિદેશી નાગરિક $1 મિલિયન એટલે લગભગ ₹9 કરોડ ચૂકવીને વિઝા પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. આ ઉપરાંત, કોઈ કંપની પોતાના વિદેશી કર્મચારી માટે $2 મિલિયન એટલે લગભગ ₹18 કરોડ ચૂકવીને આ પ્રક્રિયાને ‘સ્પીડ-અપ’ કરી શકશે.
ભારત માટે છે મહત્વનો સ્ત્રોત
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં દર વર્ષે 65,000 H-1B વિઝા જારી કરવામાં આવે છે, જેમાં 20,000 જગ્યાઓ અમેરિકન યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી મેળવનારાઓ માટે અનામત હોય છે. આ વિઝા પર સૌથી વધુ નિર્ભર ટેક સેક્ટર છે, જ્યાં ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ વારંવાર ભારતીય કુશળ કર્મચારીઓની જરૂરિયાત પડે છે. આ નવી ફીના કારણે કંપનીઓની કિંમતમાં મોટો વધારો થશે અને તેની સૌથી વધુ અસર ભારતીય આઈટી કંપનીઓ અને હજારો ભારતીય પ્રોફેશનલ્સ પર પડી શકે છે, કારણ કે ભારત H-1B વિઝા ધારકોનો સૌથી મોટો સ્ત્રોત છે.
આ પણ વાંચો…અમેરિકા H-1B વિઝાના નિયમો બદલશે: નવો નિયમ ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ ઊભી કરશે?