યુક્રેન યુદ્ધ મામલે UNમાં અમેરિકા અને રશિયા એક પક્ષમાં દેખાયા! જાણો ભારતનું વલણ શું રહ્યું

ન્યુયોર્ક: રશિયાએ યુક્રેન પર આક્રમણ શરુ કર્યાના ત્રણ વર્ષ પુરા થઇ (UN-Ukraine war) ચુક્યા છે. સોમવારે મળેલી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી(UN General assembly)માં અમેરિકાને મોટો ફટકો પડ્યો હતો. યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા દ્વારા રજુ કરવામાં આવેલો ઠરાવ એસેમ્બલીમાં પાસ થઇ શક્યો ન હતો. એસેમ્બલીએ યુરોપિયન-સમર્થિત યુક્રેનિયન ઠરાવને મંજૂરી આપતી હતી, આ ઠરાવમાં રશિયાને તાત્કાલિક યુક્રેનમાંથી ખસી જવાની માંગ કરવામાં આવી હતી.
પર અમેરિકા અને રશિયા એકસાથે:
યુક્રેન યુદ્ધ અંગે સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરાયેલા પ્રસ્તાવ પર અમેરિકા અને રશિયા એકસાથે ઉભા જોવા મળ્યા. અમેરિકાએ યુક્રેન દ્વારા રજુ કરવામાં આવેલા ઠરાવને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, ત્રણ વર્ષમાં પહેલી એવું થયું, જ્યારે અમેરિકાએ યુક્રેન દ્વારા યુએનમાં રજૂ કરાયેલા ડ્રાફ્ટ ઠરાવને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
યુક્રેન દ્વારા રજુ કરવામાં આવેલા ઠરાવમાં લશ્કર પાછું ખેંચવા અને યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની અપીલ કરવામાં આવી છે. યુરોપિયન દેશો અને G7 (અમેરિકા સિવાયના દેશો) એ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું, જેના કારણે તે પસાર થયો. નોંધનીય વાત એ છે કે ભારત અને ચીને આ મતદાનમાં ભાગ લીધો ન હતો.
આ દેશોએ કર્યું સર્મથન:
યુએનમાં રજૂ કરવામાં આવેલા યુક્રેનના ઠરાવના પક્ષમાં 93 દેશોએ મતદાન કર્યું, જેમાં જર્મની, બ્રિટન, ફ્રાન્સ અને G7 (અમેરિકા સિવાય) જેવા મુખ્ય દેશોનો સમાવેશ થતો હતો. રશિયા, અમેરિકા, ઇઝરાયલ અને હંગેરી સહિત 18 દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું. ભારત, ચીન અને બ્રાઝિલ સહિત 65 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.
અમેરિકાનું વલણ બદલાયું:
નોંધનીય છે કે છેલ્લા 3 વર્ષમાં, અમેરિકાએ હંમેશા રશિયા-યુક્રેન યુદ્ધ અંગે યુરોપિયન દેશોના સમર્થનમાં મતદાન કર્યું છે. અમેરિકાએ પહેલીવાર અલગ વલણ અપનાવ્યું છે. અમેરિકાના વલણમાં આ ફેરફાર યુરોપિયન સાથે અમેરિકાના બગડી રહેલા સંબંધો દર્શાવે છે.
આ પણ વાંચો…ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી, જાણો ક્યારથી લાગુ થશે
એક અહેવાલ મુજબ અમેરિકાએ યુક્રેનિયન અધિકારીઓ પર ઠરાવ પાછો ખેંચવા અને યુએસના પ્રસ્તાવને સ્વીકારવા દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ઇનકાર કર્યો હતો.
UNના પ્રસ્તાવો કાયદેસર રીતે બંધનકર્તા નથી, પરંતુ તેને વિશ્વના દેશોના અભિપ્રાયનું સૂચક માનવામાં આવે છે.