ઇન્ટરનેશનલનેશનલ

ભારતીય વિદ્યાર્થીઓ હવે ઉચ્ચ અભ્યાસ માટે આ દેશમાં જવા માગતા નથી જાણો કારણ

ભારત અને કેનેડા વચ્ચે સર્જાયેલા તણાવની અસર હવે ભારતીય વિદ્યાર્થીઓ પર દેખાઈ રહી છે. આ વર્ષના બીજા ભાગમાં કેનેડામાં અભ્યાસ માટે અરજી કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જુલાઈ અને ઓક્ટોબર વચ્ચે ભારતમાંથી નવી સ્ટડી પરમિટ માટેની અરજીઓની સંખ્યા ગયા વર્ષના કુલ 145,881 થી ઘટીને 2023ના સમાન સમયગાળામાં માત્ર 86,562 થઈ ગઈ છે, જે લગભગ 40% નો ઘટાડો દર્શાવે છે.

તાજેતરમાં કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના શોષણના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેના કારણે કેનેડામાં સ્ટડી વિઝામાં ઘટાડો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે તેઓ કેનેડામાં જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તે પણ કેનેડાના અભ્યાસ વિઝામાં ઘટાડાનું એક કારણ છે. કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓને આતંકવાદનો પણ ડર સતાવે છે અને તેથી જ તેમના માતા-પિતાઓ તેમને ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા નથી મોકલવા માગતા.

આ ઉપરાંત કેનેડા હાલમાં હાઉસિંગ કટોકટીનો સામનો કરી રહ્યું છે. અહીં વસ્તી વધુ છે અને મકાનો ઓછા છે, જેના કારણે મકાનોની કિંમતો જરૂરિયાત કરતા ઘણી વધી ગઈ છે. આવી સ્થિતિમાં અહીં ભણવા જતા વિદ્યાર્થીઓને રહેવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેનેડામાં ઉચ્ચ અભ્યાસ અમેરિકા અને બીજા કેટલાક દેશની તુલનામાં સસ્તો પડતો હોવાથી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા રહેતી હતી. જોકે, હાલમાં કેનેડા અને ભારત સરકાર વચ્ચે આતંકવાદના મુદ્દે ઘર્ષણ ચાલી રહ્યું હોવાથી પણ ઘણા વિદ્યાર્થીઓ કેનેડા જવાનું ટાળી રહ્યા છે.

ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (આઈઆરસીસી) અનુસાર, વર્ષ 2022માં 3 લાખ 63 હજાર 541 ભારતીય વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, જે 2021ના 2 લાખ 36 હજાર 77ના આંકડા કરતાં વધુ હતી, જ્યારે ઓક્ટોબર 2023 સુધીમાં 2 લાખ 61 હજાર 310 ભારતીય વિદ્યાર્થીઓએ અરજી કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button