ભૂલી જાઓ RRR, આ ભારતીય ફિલ્મે એવોર્ડ જીતી વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું
ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વમાં કલાના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે. ભારતને કલા અને સંસ્કૃતિના વિવિધ માપદંડો પર ઘણા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતે ગ્રેમી અને ઓસ્કારમાં પણ ધૂમ મચાવી છે. આ સાથે હવે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ભારતની શાન જોવા મળી રહી છે. ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાની ફિલ્મ ‘All we imagine is light’એ શનિવારે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના સમાપન સમારોહ દરમિયાન ફિલ્મને આ એવોર્ડ મળ્યો હતો. પામ ડી’ઓર પછી આ બીજો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. પાયલ કાપડિયાની ફિલ્મ ગુરુવારે (23 મે) રાત્રે પ્રદર્શિત કરવામાં આવી હતી અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેને ખૂબ જ પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મના સ્ક્રીનિંગ બાદ આઠ મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું. 30 વર્ષમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ભારતીય મહિલા દિગ્દર્શકની ભારતીય ફિલ્મ મુખ્ય સ્પર્ધામાં હોય. ‘ઓલ વી ઇમેજિન…’ ફેસ્ટિવલના કોમ્પિટિશન સેક્શન માટે ક્વોલિફાય થનારી 30 વર્ષમાં પહેલી ભારતીય ફિલ્મ છે. ફિલ્મ નિર્માતા પાયલને કિયારા-અદિતિથી લઈને શેખર કપૂર સહિત અનેક સેલેબ્સે અભિનંદન પાઠવ્યા છે.
આ પણ વાંચો : Cannes Film Festival: કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં અનસૂયા સેનગુપ્તાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ, ભારતની મોટી સિદ્ધિ
ફ્રાન્સમાં 14મી મેથી 77મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો હતો. જ્યાં દુનિયાભરના તમામ સેલેબ્સ પોતાનો જાદુ ફેલાવી રહ્યા હતા. જેમાં ઐશ્વર્યા રાય, ઉર્વશી રૌતેલા, અદિતિ રાવ હૈદરી, કિયારા અડવાણી, પ્રીતિ ઝિન્ટા સહિત ભારતની ઘણી સુંદરીઓ કાનની રેડ કાર્પેટ પર ચાલી હતી. દરમિયાન, કાનના છેલ્લા દિવસે, એક અદભૂત એવોર્ડ ફંક્શન યોજાયું હતું જ્યાં ભારતીય ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ એ ઇતિહાસ રચ્યો. પાયલ કાપડિયાની ફિચર ફિલ્મે આ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ જીત્યો છે. અનસૂયા સેનગુપ્તા બાદ હવે પાયલ કાપડિયાએ આ એવોર્ડ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે.