પુતિનના વિરોધી એલેક્સી નવલ્ની જેલમાંથી ગુમ, અગાઉ પણ ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ટીકાકાર અને વિપક્ષી નેતા એલેક્સી નવલ્ની ગુમ થયાના અહેવાલ છે. એલેક્સીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તેમના વકીલોએ લગભગ એક અઠવાડિયાથી તેમની વાત સાંભળી નથી અને કેદીઓની યાદીમાંથી તેમનું નામ પણ ગાયબ છે.
મોસ્કોમાં જેલમાં બંધ એલેક્સીને આ વર્ષે ઓગસ્ટમાં ઉગ્રવાદી સમુદાય બનાવવા અને તેને પોષવા સહિતના ગુનાઓમાં દોષિત ઠેરવ્યા બાદ 19 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
નવલ્નીના પ્રવક્તા કિરા યાર્મિશે સોમવારે આક્ષેપ કર્યો હતો કે વારંવારના પ્રયાસો છતાં વકીલો જેલમાં બંધ નેતાને મળી શક્યા ન હતા અને તેમને જાણ કરવામાં આવી હતી કે તે જેલમાં નથી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ જાણતા નથી કે નવલ્ની આ સમયે ક્યાં છે અને તેમને ક્યાંક ગુમ કરી દેવામાં આવ્યા છે. નવલ્ની છેલ્લા છ દિવસથી ગુમ છે. વહીવટીતંત્રે એ પણ જણાવ્યું નથી કે તેની ક્યાં બદલી કરવામાં આવી છે. દરમિયાન નેવલ્નીની ટીમને ટાંકીને સમાચારપત્રમાં એવો અહેવાલ આવ્યા છે કે જેલમાં બંધ રશિયન નેતાની તબિયત ગંભીર છે.
એલેક્સી નવલ્ની પહેલાથી જ છેતરપિંડી અને અન્ય આરોપો પર 11.5 વર્ષની સજા ભોગવી રહ્યા હતા, જે તેમણે પાયાવિહોણા હોવાનું જણાવ્યું હતું. નવલ્નીના સમર્થકોનો આરોપ છે કે તેમની ધરપકડ અને સજા એ પુતિનની ટીકાને દબાવવાનો “રાજકીય રીતે પ્રેરિત” પ્રયાસ છે.
2017માં નવલ્ની પર જીવલેણ હુમલો થયો હતો. હુમલામાં તેની આંખમાં ગંભીર ઈજા થઈ હતી. વર્ષ 2020માં પણ નવલ્નીને ઝેર આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓ ફ્લાઈટમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ત્યારબાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ઘણા દિવસો સુધી કોમામાં પણ રહ્યા હતા.