ઇઝરાયલની એર સ્ટ્રાઈકથી ગાઝામાં 5 પત્રકારોના મોત, ઇઝરાયલ પર લાગ્યા ગંભીર આરોપ

દોહા: ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીઝ (IDF) છેલ્લા 22 મહિનાથી ગાઝામાં સતત હુમલા કરીને પેલેસ્ટીનિયન નાગરિકોનો નરસંહાર કરી રહ્યું છે, અત્યાર સુધીમાં 63,000 નાગરિકોની હત્યા કરવામાં આવી છે અને ઇઝરાયલની ઘેરાબંધીને કારણે લાખો લોકો દવા અને ભોજનના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. એવામાં ઇઝરાયલે એર સ્ટ્રાઈક કરી પાંચ મીડિયા કર્મીઓની હત્યા કરી છે, આ તમામ મીડિયા કર્મીઓ અલ-જઝીરાએ ન્યુઝ ચેનલ સાથે જોડાયેલા (Israel killed Al Jazeera Jounalists) હતાં.
અલ જઝીરાએ એક નિવેદનમાં જણાવ્યું કે રવિવારે ગાઝા સિટીમાં એક ટેન્ટ પર થયેલા ઇઝરાયલી હુમલામાં એક અગ્રણી રિપોર્ટર સહિત તેના બે પત્રકારો અને ત્રણ કેમેરામેનના મોત નીપજ્યા છે. નોંધનીય છે કે યુનાઇટેડ નેશન્સના યુદ્ધના નિયમો હેઠળ પત્રકારોને રક્ષણ આપવામાં આવ્યું છે, તેમ છતાં તમામ નિયમોને અવગણીને ઈઝરાયલે ગાઝામાં 200થી વધુ પત્રકારોની હત્યા કરી છે.
અલ જઝીરાની વેબ સાઈટ મુજબ રવિવારે મોડી સાંજે ગાઝા સિટીની અલ-શિફા હોસ્પિટલના મુખ્ય દરવાજાની બહાર ઉભા કરવામાં આવેલા ટેન્ટ્સ પર એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી, જેમાં સાત લોકોના મોત નીપજ્યા હતાં. મૃતકોમાં અલ જઝીરાના પત્રકાર અનસ અલ-શરીફ અને મોહમ્મદ કુરેકેહ સાથે કેમેરા ઓપરેટર ઇબ્રાહિમ ઝહેર, મોહમ્મદ નૌફલ અને મોઆમેન અલીવાનો સમાવેશ થાય છે.
અનસ અલ-શરીફનો અંતિમ સંદેશ:
નોંધનીય છે 28 વર્ષીય અનસ અલ-શરીફ ઉત્તર ગાઝામાં સતત કાર્યરત હતાં અને ઇઝરાયલના હુમલાને કારણે સર્જાયેલી તારાજી અંગે સતત અહેવાલો દુનિયા સમક્ષ પહોંચાડતા હતાં. તેમના મૃત્યુના થોડા સમય પહેલા જ તેમણે X પર લખ્યું હતું કે ઇઝરાયલે ગાઝા સિટીના પૂર્વ અને દક્ષિણ ભાગો પર તીવ્ર બોમ્બમારો શરુ કર્યો છે.
અનસ અલ-શરીફે X પર શેર કરેલા એક વિડીયોમાં બોમ્બમારાના જોરદાર અવાજો સંભળાય છે. આ વિડીયો અનસ દ્વાર શેર કરવામાં આવેલો છેલ્લો વિડીયો સાબિત થયો.
અનસના મૃત્યુ બાદ તેણે એપ્રિલના રોજ લખી રાખેલો અંતિમ સંદેશ શેર કરવામાં આવ્યો છે. જેમાં તેણે લખ્યું, “મેં દરેક પ્રકારનું દુઃખ વેઠયું, તેમ છતાં, મેં ક્યારેય સત્યને ખોટી રજૂઆત કર્યા વિના, એ જેમ છે તેમ વ્યક્ત કરવામાં અચકાટ નથી અનુભવ્યો. જે લોકો મૌન ધારણ કરીને બેઠા છે, જેમણે મારી હત્યાને સ્વીકારી લીધી અને જેમણે મારા શ્વાસ ગૂંગળાવી નાખ્યા તેમને ભગવાન જોઈ રહ્યા.”
ઇઝરાયલનો દાવો:
અનસ અલ-શરીફ ગાઝામાં ગ્રાઉન્ડ રીપોર્ટ કરતા ચેનલના સૌથી જાણીતા પત્રકાર હતાં, તેઓ દૈનિક અહેવાલો આપતા રહેતા. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીઝે એક નિવેદનમાં સ્વીકાર્યું કે તેમણે અનસ અલ-શરીફને નિશાન બનાવી હુમલો કર્યો, IDF અનસ હમાસ સાથે જોડાયેલો હોવાનો આરોપ લગાવ્યો.
ઇઝરાયલ પર ગંભીર આરોપ:
ઇઝરાયલે ગાઝાની નાકાબંધી કરી છે જેથી વિશ્વભરના મીડિયા જૂથો ગાઝામાં કામ કરતા પેલેસ્ટિનિયન પત્રકારો દ્વારા જ ત્યાંની સ્થિતિના અહેવાલો મળે છે. ત્યારે ઇઝરાયલ ગાઝામાં પત્રકારોની હત્યા કરી હુમલાની માહિતીઓએ બહાર જતી અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે એવા આરોપ છે.
આપણ વાંચો: તુર્કીયેમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, એકનું મોત, બિલ્ડીંગો પત્તાના મહેલની માફફ ઘરાશાયી