ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકામાં ભારતીય મૂળના ‘Akul Dhawan’ના મોત પર થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

અમેરિકામાં સતત થઇ રહેલા ભારતીય વિદ્યાર્થીઓના મોતનો મામલો હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ મામલો કેટલો ગંભીર બની ગયો છે એ વાતનો અંદાજો એ બાબત પરથી પણ લગાવી શકાય છે કે વ્હાઇટ હાઉસે આ મુદ્દે સ્પષ્ટતા કરવી પડી હતી. આ બધા વચ્ચે અમેરિકામાં 20 જાન્યુઆરીના રોજ થયેલા એક ભારતીય વિદ્યાર્થી અકુલ ધવનના મોત મામલે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે અમેરિકાની ઈલિનોઈસ યુનિવર્સિટીમાં ભણતા ભારતીય મૂળના વિદ્યાર્થી અકુલ ધવનનું હાઈપોથર્મિયાથી મૃત્યુ થયું હતું.

પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર અકુલ ધવન 20 જાન્યુઆરીના રોજ મૃત હાલતમાં મળી આવ્યો હતો. રિપોર્ટ મુજબ અકુલ તેના મિત્રો સાથે દારૂ પી રહ્યો હતો. ત્યાર બાદ રાત્રે તેમણે નાઇટ કલબમા ંજવાનો પ્લાન બનાવ્યો હતો. રાતે લગભગ 11.30 વાગ્યાની આજુબાજુ અકુલ તેના મિત્રો સાથે કેમ્પસ પાસે આવેલી કૈનોપી કલબ ગયા હતા, પરંતુ ક્લબ સ્ટાફે અકુલ ધવનને એન્ટ્રી આપવાની ના પાડી દીધી હતી. અકુલે વારંવાર એન્ટ્રી આપવાની વિનંતી કરી હતી, પણ ક્લબ સ્ટાફે તેને નકારી કાઢી હતી. ક્લબ સ્ટાફે તેની માટે રાઇડ શેર (ઘરે જવા માટે કાર)ની પણ વ્યવસ્થા કરી આપી હતી, પણ દારૂના નશામાં તેણે ઇનકાર કરી દીધો હતો. એ રાતે તાપમાન ઘટીને માઈનસ 2.7 ડિગ્રી થઇ ગયું હતું.


આખી રાત અકુલના મિત્રો તેને ફોન કરતા રહ્યા પરંતુ અકુલે ફોન ઉઠાવ્યો નહીં. ત્યારબાદ અકુલના એક મિત્રએ કેમ્પસ પોલીસનો સંપર્ક કર્યો. અનેક પ્રયત્નો કરવા છતાં અકુલની કોઈ ભાળ મળી નહતી. બીજા દિવસે સવારે એક બિલ્ડિંગ પાછળ અકુલ સૂતેલો મળી આવ્યો હતો. તે વખતે જ તેને મૃત જાહેર કરાયો હતો. ત્યારબાદ પોલીસે અકુલના મોતનું કારણ વધુ પ્રમાણમાં દારૂનું સેવન અને ગાત્રો થીજવતી ઠંડી ગણાવ્યું હતું.


અકુલ ધવનના માતા પિતા કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં રહે છે. જો કે પોલીસનું કહેવું છે કે તેમણે સૂચના મળતા તરત જ કાર્યવાહી કરી હતી. પરંતુ અકુલના પરિવારનું કહેવું છે કે પોલીસે તેમના પુત્રનો મામલો ગંભીરતાથી લીધો જ નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button