ગુડ ન્યૂઝ: 40 દિવસના હાહાકાર પછી અમેરિકાનું શટડાઉન ખતમ થવાના આરે!

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં ચાલી રહેલા શટડાઉનના 40 દિવસ થઈ ગયા છે. જેની અસર હવે ફ્લાઇટ્સ પર પણ પડી રહી છે. કર્મચારીઓની અછતના કારણે હવે વિમાન સેવા પ્રભાવિત થઈ છે. વિમાન કંપનીઓ દ્વારા 2100થી વધુ ઉડાન રદ્દ કરવામાં આવી હતી. નિષ્ણાતો મુજબ, જો આ રીતે ફ્લાઇટ રદ્દ થતી રહેશે તો તેની વ્યાપક અસર થશે.
શટડાઉન ટૂંક સમયમાં ખતમ થઈ થવાની શક્યતા છે. સેનેટ મીટિંગમાં તેનું સમાધાન આવી શકે છે. રિપબ્લિકન નેતા સેનેટર જૉન થ્યૂને કહ્યું કે, શટડાઉન સમાપ્ત કરવા માટે ડેમોક્રેટ સભ્યો સાથે વાતચીત ચાલી રહી છે, હજુ સુધી કંઇ નક્કી થયું નથી.
ડેમોક્રેટિક પાર્ટીના નેતા અને સેનેટર ચક શૂમરના નેતૃત્વ હેઠળના ડેમોક્રેટ્સે શુક્રવારે એક પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં ‘અફોર્ડેબલ કેર એક્ટ’ (ઓબામાકેર)ની સબસિડીને ઓછામાં ઓછા એક વર્ષ સુધી લંબાવવાની વાત હતી. શરૂઆતમાં રિપબ્લિકન પાર્ટીના સભ્યો અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવ પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ હવે રિપબ્લિકન એક ફાઇનાન્શિયલ પેકેજ પર કામ કરી રહ્યા હોવાના સંકેત મળ્યા છે. જે અમુક વિભાગો માટે આખા વર્ષનું ફંડિંગ સુનિશ્ચિત કરવામાં આવશે. જે ગવર્નમેન્ટ શટડાઉનને સમાપ્ત કરવામાં મદદ કરશે.
હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં શું છે નંબર ગેમ?
સામાન્ય બહુમતી: 435માંથી 218 વોટની જરૂર પડે છે. 218 સભ્યોનો હાજર તેમ માનીને મતદાન કરવામાં આવે છે. ગૃહમાં સભ્યોની ગેરહાજરીની સ્થિતિમાં આ સંખ્યા મતદાન કરનારાઓના બહુમતી પર આવી જાય છે. બિલ બહુમતીથી પસાર થાય છે.
શા માટે શટડાઉન સમાપ્ત નથી થઈ રહ્યું?
જ્યારે અમેરિકન સંસદ સરકારી વિભાગોને ચલાવવા માટે સમયસર બજેટ અથવા ફંડિંગનું બિલ પસાર કરવામાં નિષ્ફળ જાય ત્યારે શટડાઉન લાગુ થાય છે. આ જ કારણ છે કે અમેરિકામાં 1 ઓક્ટોબરે રજૂ કરવામાં આવનારું નિયમિત બજેટ પાસ થઈ શક્યું નથી. અમેરિકન કાયદા અનુસાર, ફંડિંગ અટકી જતાં સરકારી કામકાજની ગતિ ધીમી પડી જાય છે. અમેરિકામાં ચાલી રહેલા શટડાઉનનું પણ આ જ કારણ છે. ફંડની અછતને કારણે સરકારી કામકાજ ઠપ થઈ ગયું છે. આનું મુખ્ય કારણ સ્વાસ્થ્ય વીમા એટલે કે ઓબામા કેર ફંડિંગ સાથે જોડાયેલું છે.
ઓબામાં કેર ફંડિંગ શું છે
ઓબમા કેર અમેરિકાનો એક કાયદો છે. જેને 2010માં પાસ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ સ્વાસ્થ્ય વીમા કવરેજ વધારવાની સાથે હેલ્થ કેર ખર્ચ ઓછો કરવાનો હતો. ઓબામા કેર અંતર્ગત આપવામાં આવતી ટેક્સ ક્રેડિટને લઈ મુદ્દો ગુંચવાયો છે. ડેમોક્રેટ્સ ટેક્સ ક્રેડિટથી મળતા ફાયદા વર્ષના અંત સુધી વધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, જ્યારે રિપબ્લિકન પાર્ટી જ્યાં સુધી સરકાર તેને ખતમ નહીં કરે ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં થાય તેમ કહે છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ અમેરિકામાં શટડાઉન, ટ્રમ્પ જીદે ચડે તો અમેરિકનોની હાલત બગડી જાય



