Plane Crash: દિલ્હીથી મોસ્કો જઈ રહેલું પ્લેન અફઘાનિસ્તાનમાં ક્રેશ, ઉડ્ડયન મંત્રાલયે કરી સ્પષ્ટતા | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Plane Crash: દિલ્હીથી મોસ્કો જઈ રહેલું પ્લેન અફઘાનિસ્તાનમાં ક્રેશ, ઉડ્ડયન મંત્રાલયે કરી સ્પષ્ટતા

કાબુલ: દિલ્હી થી મોસ્કો જઈ રહેલું એક વિમાન અફઘાનિસ્તાનના બદખ્શાનના વાખાન વિસ્તારમાં ક્રેશ થયાના અહેવાલ મળી રહ્યા છે. એક અફઘાન મીડિયા એજન્સીએ આ ક્રેશ અંગે જાણકારી આપી છે. અફઘાનિસ્તાનની સ્થાનિક ટેલિવિઝન ચેનલે જણાવ્યું હતું કે ઉત્તરી અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે.

અહેવાલ મુજબ અધિકારીએ જણાવ્યું કે ક્રેશ થયેલા વિમાન માટે કુરાન-વા-મુંજન જિલ્લાના તોપખાના વિસ્તારમાં એક ટીમ મોકલવામાં આવી છે.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ બદખ્શાન પ્રાંતના પોલીસ કમાન્ડે જણાવ્યું કે વિમાન ગઈકાલે રાત્રે રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. આ પછી તે જીબક જિલ્લાના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું. વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા તે અંગેની માહિતી મળી નથી.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે અફઘાનિસ્તાનના પર્વતોમાં જે વિમાન ક્રેશ થયું તે ભારતીય-શિડ્યુલ્ડ એરક્રાફ્ટ નહોતું અને ન તો નોન-શિડ્યુલ્ડ (NSOP)/ચાર્ટર એરક્રાફ્ટ હતું.


ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્લેન મોરોક્કન-રજિસ્ટર્ડ ડીસી 10 એરક્રાફ્ટ હતું જે બદખ્શાન પ્રાંતના કુરાન-મુંજન અને ઝિબાક જિલ્લાના તોપખાના પર્વતોમાં ક્રેશ થયું હતું.

અફગાનિસ્તાનના સ્થાનિક પ્રસાશને હજુ સુધી વિમાનના પ્રકાર અને જાનહાનિની સંખ્યા અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી. દરમિયાન, રશિયન ઉડ્ડયન વિભાગે જણાવ્યું હતું કે શનિવારે સાંજે છ મુસાફરોને લઈ જતા રશિયન-રજિસ્ટર્ડ વિમાન અફઘાનિસ્તાન પર ઉડી રહ્યું હતું ત્યારે સંપર્ક તૂટી ગયો હતો. આ વિમાન ફ્રેન્ચ બનાવટનું ડેસોલ્ટ ફાલ્કન 10 જેટ હતું. અહેવાલ મુજબ આ પ્લેન ભારતથી ઉઝબેકિસ્તાન થઈને મોસ્કો જતી ચાર્ટર ફ્લાઇટ હતી.

સંબંધિત લેખો

Back to top button