અફઘાનિસ્તાનમાં પ્રચંડ ભૂકંપથી તબાહી, 2000 લોકોના મોત.
કાબુલ: તાલિબાની શાસનનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનમાં હવે કુદરતી આપદા ત્રાટકી છે. અહીં હવે ફરી એકવાર ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે અને આશરે બે હજારથી વધુ લોકોના મોત થયા છે.
તાલિબાનના પ્રવક્તાએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનના પશ્ચિમમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં લગભગ 2,000થી વધુ લોકો માર્યા ગયા છે. પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ઈરાની સરહદ પાસે આવેલા આ શક્તિશાળી ભૂકંપ બાદ મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે
ધરતીકંપને કારણે હેરાત શહેરથી લગભગ 40 કિમી દૂર આવેલા કેટલાંક ગામોનો નાશ થયો છે. ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે. અહીં લોકોએ ભૂકંપના ત્રણ શક્તિશાળી આંચકા અનુભવ્યા હતા. બચી ગયેલા લોકોએ ભયાનક દ્રશ્યોનું વર્ણન કરતાં કહ્યું હતું કે તેમની આસપાસની
ઓફિસની ઇમારતો પહેલા હલી ગઈ અને પછી પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી.
દેશના માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ વાહિદ રાયને જણાવ્યું હતું કે હેરાતમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક મૂળ અહેવાલ કરતાં વધુ છે. વિશ્વને તાત્કાલિક મદદની અપીલ કરતાં તેમણે કહ્યું હતું કે, લગભગ છ ગામો નાશ પામ્યા છે અને સેંકડો નાગરિકો કાટમાળ નીચે દટાયા છે. એક અપડેટમાં જણાવાયું છે કે 465 ઘરો નાશ પામ્યા છે અને 135થી વધુ ઘરોને નુકસાન થયું છે.
ડિઝાસ્ટર ઓથોરિટીના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલ્લા જાને જણાવ્યું હતું કે હેરાત પ્રાંતના ઝેંદા જાન જિલ્લાના ચાર ગામોને ભૂકંપ અને આફ્ટરશોક્સથી સૌથી વધુ નુકસાન થયું છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી લગભગ 40 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં હતું. આ પછી ત્રણ ખૂબ જ જોરદાર આફ્ટરશોક્સ આવ્યા હતા, જેની તીવ્રતા 6.3, 5.9 અને 5.5 હતી, તેની સાથે ઓછી તીવ્રતાના આફ્ટરશોક્સ પણ આવ્યા હતા.
દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે અફઘાન ઘાયલોને હોસ્પિટલો સુધી પહોંચાડવા માટે 12 એમ્બ્યુલન્સ કાર ઝેન્ડા જાન માટે રવાના કરવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓની ટીમો હોસ્પિટલોમાં ઘાયલોની સારવાર કરવામાં અને વધારાની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં મદદ કરી રહી છે.