ઇન્ટરનેશનલ

એક માર્ગના મુસાફર: સિનેમા ને સાહિત્ય

સમય સાથે પરિવર્તન પામતા યુગનો અભ્યાસ કરવા માટે આપણા ફિલ્મ સર્જકોની અમુક ફિલ્મોનાં કથાનકોનો વિશેષ અભ્યાસ કરવો જોઈએ…

ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી

સિત્તેર- એંસીના દાયકામાં જર્મન વિદ્વાન ડો. લોઠાર લુત્સે ભારતમાં આવ્યા હતા. ભારતમાં હિન્દી ભાષા તથા કથાવાર્તાઓ સમજવા ‘દો રાસ્તે- દીવાર- પતિ પત્ની ઓર વહ …’ જેવી ફિલ્મોની પ્રિન્ટ લઇને ભારતનાં ગામડાઓમાં વર્ષો સુધી રખડ્યા હતા. એ પછી ભારતીય સમાજમાં હિન્દી સિનેમાની અસર પર ‘ધ હિન્દી ફિલ્મ : ‘એજન્ટ એન્ડ રિ એજન્ટ ઓફ કલ્ચરલ ચેન્જ’ નામનું દળદાર પુસ્તક લખ્યું. આજ સુધી આ રીતે રખડીને કોઈએ અભ્યાસ કર્યો નથી. વર્ષ ૨૦૦૬માં ડો. લુત્સેના પ્રદાન માટે ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત થયો હતો. ડો. લુત્સેને ભારતીય સંસ્કૃતિ પર
હિન્દી સિનેમાની અસર એટલી વિસ્તૃત લાગી કે એમણે સિનેમાને પાંચમો ‘વેદ’ કહ્યો હતો.
તાજેતરમાં અશ્ર્વિની ભટ્ટની કથા આધારિત ફિલ્મ ‘કમઠાંણ’ રજૂ થયા પછી મનમાં પ્રશ્ર્ન થાય કે સિનેમા અને સાહિત્યનો સંબંધ ઉત્કૃષ્ટ કૃતિઓનું સર્જન કરી શકે. હિન્દી સિનેમા પર દેવદાસની અસર વારંવાર જોવા મળી છે. મૂંગી ફિલ્મોના યુગથી દેવદાસની કથા સિનેમા સાથે વણાયેલી છે. નરેશ મિત્રએ ૧૯૨૭માં ‘દેવદાસ’ બનાવી એના બીજા વર્ષે ‘આંધરે આલો’ નામની ફિલ્મ શિશિર ભાદુરીએ બનાવી. આ બંને ફિલ્મ પ્રસિદ્ધ નવલકથાકાર શરદચંદ્ર ચેટરજીની કથાઓ પર આધારિત હતી.આમ સાહિત્ય પરથી ફિલ્મો બનવાની શરૂઆત થઇ. સિનેમાના બધા યુગમાં બંગાળી – મરાઠી કથાઓ પર આધારિત અસંખ્ય ફિલ્મો બની છે. શરદચંદ્રની નવલકથા ‘દેવદાસ’ વર્ષ ૧૯૧૭માં પ્રગટ થઇ.વર્ષ ૧૯૨૮માં નરેશ મિત્રની ‘દેવદાસ’ મૂંગી હતી. પી.સી.બરુઆએ ૧૯૩૫માં ‘દેવદાસ’ બોલતી બનાવી.
આશ્ર્ચર્ય એ વાતનું છે કે સાયગલ, જમુના અને રાજકુમારી અભિનીત ‘દેવદાસ’ ફિલ્મ રિલીઝ થયા પછી ‘દેવદાસ ’ નવલકથાની ચર્ચા થવા લાગી. ફિલ્મ આવ્યા પછી પુસ્તકની માંગ વધતા હિન્દીમાં અનુવાદિત થઇ. ‘મૂંગી દેવદાસ’ની સિનેમેટોગ્રાફી બિમલ રોયે કરી હતી. બિમલ રોયે ૧૯૫૫માં ફરીથી દિલીપકુમાર, સુચિત્રાસેન અને વૈજયંતીમાલા જેવા કલાકારો સાથે ‘દેવદાસ’ બનાવી. ‘દેવદાસ’ની લોકપ્રિયતા દાયકાઓ પછી અકબંધ રહેતા સંજય લીલા ભણસાળીએ ૨૦૦૨માં ‘દેવદાસ’ બનાવી તો અનુરાગ કશ્યપે ૨૦૧૦માં દેવદાસનું નવું વર્ઝન ‘દેવ ડી’ બનાવી. આ વર્ષોમાં દેવદાસ બંગાળી, તમિલ, આસામ, તેલુગુ વગેરે ભાષાઓમાં પણ બની હતી.
‘દેવદાસ’ જેવી અદભુત કથાએ સિનેમા પર ભારે અસર કરી. પાકિસ્તાની ઇકબાલ કાશ્મીરીએ ૨૦૧૦માં અને એ પછી બાંગ્લાદેશમાં પણ ‘દેવદાસ’ બની. દરેક ભાષા અને દાયકાઓમાં બનેલી તમામ દેવદાસ જોવા મળે તો પ્રત્યેક દાયકાના બદલાતી સમાજરચના નજરે પડે.
સિનેમા અને સાહિત્યની વાત તો શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયે વર્ષ ૧૯૧૪માં લખેલી ક્લાસિક નોવેલ પરણિતા’ની વાત કરવી જ પડે. પહેલીવાર ‘પરણિતા’ નવલકથા પરથી પશુપતિ ચેટરજીએ ફિલ્મ બનાવી. બિમલ રોય સહિત નામાંકિત દિગ્દર્શકોએ પાંચ વાર પરણિતા’ ફિલ્મ બનાવી.
દેવદાસની જેમ અલગ અલગ દાયકામાં બનેલી ‘પરણિતા’માં પણ મૂળ વાર્તાનો આત્મા જળવાઈ રહ્યો છે-માત્ર અભિવ્યક્તિ બદલાતી રહી છે. ઉદાહરણ તરીકે વર્ષ ૧૯૫૩ની બિમલ રોયની ‘પરણિતા’ની લોલિતા મૌન હતી, પ્રદીપ સરકારની ૨૦૦૫ની પરણિતા’ની વિદ્યા બાલન ફેમ લોલિતા ‘પિયા બોલે…’ ગીત ગાતી ચુલબુલી હતી.
આમ સમય સાથે પરિવર્તન પામતા યુગનો અભ્યાસ કરવા માટે ‘દેવદાસ’ અથવા ‘પરણિતા’ જેવી કથાકન આધારિત ફિલ્મોનો અભ્યાસ કરવો જોઈએ. ત્રીસના દાયકા પછી ફિલ્મો બોલતી થઇ. પહેલી બોલતી ફિલ્મ અર્દેશર ઇરાનીની ‘આલમઆરા’ હતી. અર્દેશર ઇરાની હોલીવુડની દુનિયા જોઈ ચુકેલા. પહેલી બોલતી ફિલ્મ અને વર્ષ ૧૯૩૭માં બનેલી પહેલી કલર ફિલ્મ ‘કિશાન ક્ધયા’ પણ અર્દેશર ઇરાની નામે જ હતી. ફિલ્મજગતના માધાંતાઓને એમણે જ તક આપી હતી.
સિનેમા સાથે ગીતોએ પણ નવતર પ્રયોગ આપ્યા છે. પહેલી જ બોલતી ફિલ્મ ‘આલમઆરા’માં સાત ગીત હતાં. ‘ઇન્દ્ર સભા’ નામની ફિલ્મમાં ૭૦ કરતાં વધારે ગીતો હતાં…!
બાય ધ વે, ‘આલમઆરા’ની બે વાર રિમેક ૧૯૫૬ અને ૧૯૭૩માં બની હતી. અર્દેશર ઇરાની ‘કિશાન ક્ધયા’ બનાવતા પહેલાં ‘નૂરજહાં’ નામની અંગ્રેજી ફિલ્મ બનાવી ચૂક્યા હતા. એમના પ્રોડક્શન હાઉસમાં ૧૫૦ કરતાં વધુ અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ ઉપરાંત બર્માની ભાષામાં
પણ ફિલ્મો બની હતી. આઝાદી પૂર્વેથી ફિલ્મોમાં મનોરંજન સાથે સાથે ક્લાસિક કથાનકોનો ભરપૂર ઉપયોગ થયો. એ
યુગથી બનેલી ફિલ્મોએ સાહિત્ય અને સિનેમાને એકબીજાની સમીપે લાવીને મૂકી દીધા હતા.
દેશ આઝાદ થયો એ જ વર્ષે રાજ કપૂરે ‘આર કે’ સ્ટુડિયો બનાવ્યો જેની પહેલી ફિલ્મ ‘આન’થી ફિલ્મી કથાનકના નવા યુગનો પ્રારંભ થયો. જીવંત યુનિવર્સિટી કહી શકાય એવા વ્હી.શાંતારામે લોકપ્રિય સત્યઘટના આધારિત ‘ડો કોટનીસ કી અમર કહાની’ બનાવી હતી . આ ફિલ્મ આજે પણ ભારતીય સિનેમાનું અમૂલ્ય ઘરેણું છે.
આઝાદી પછી ભારતીય સિનેમામાં સમાંતર ફિલ્મ જેવા પ્રયોગને પ્રચલિત કરવાનો પ્રારંભ સત્યજિત રે એ કર્યો હતો….
આની વાત આપણે કરીશું આવતા અઠવાડિયે… (ક્રમશ )

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…