એઆઈની મદદથી મોતની ભવિષ્યવાણી કરવાનો સંશોધકનો દાવો
ન્યૂયોર્કઃ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે…કંઈક અણધાર્યુ, અઘટિત ઘટી જાય ત્યારે આ કહેવત યાદ આવે છે. કલ કીસને દેખા જેવી ફિલોસોફીની વાત આપણે કરીએ છીએ અને આના મૂળમાં હોય છે મૃત્યુ. માણસનો જન્મ અને મૃત્યુ ઈશ્વરના હાથમાં હોય છે. છતાં જન્મ પહેલા દસ્તક મળે છે કારણ કે કોઈપણ વ્યક્તિ માતાના ગર્ભમાં નવ મહિના રહ્યા બાદ જન્મ લે છે, પરંતુ જીવન ક્યારે સંકેલાઈ જાય, મોત ક્યારે કઈ રીતે આવે તે કોઈ કહી શકતું નથી. લોકોને પોતે કેટલું લાંબુ જીવશે તે જાણવામાં રસ હોય છે, પરંતુ મોત ક્યારે આવશે તે જાણવા માટે પણ હિંમત જોઈતી હોય છે અને ભવિષ્ય ભાખી શકાતું નથી તેમ મોતનો સમય પણ જાણી શકાતો નથી. જોકે મોત ક્યારે આવશે તે જણાવવાનો દાવો એક સંશોધકે કર્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની મદદથી આમ કરી શકાશે તેવો દાવો તેણે કર્યો છે.
આ એઆઈ ટૂલ વિશે એક આંતરાષ્ટ્રીય અખબારના એક રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે. તેને ડેનમાર્કની ટેકનિકલ યુનિવર્સિટીના પ્રોફેસર સુની લેહમેન દ્વારા વિકસાવવામાં આવી છે. Life2vec નામનું આ એઆઈ ટૂલ વ્યક્તિના જીવનના વિવિધ પાસાઓ જેવી કે તેની આવક, વ્યવસાય, રહેઠાણ વગેરેનું વિશ્લેષણ કરે છે અને તેના આધારે જેતે વ્યક્તિના આયુષ્યનો અંદાજ કાઢે છે. તેમની આગાહી 75 ટકા સાચી પડતી હોવાનો દાવા પણ થઈ રહ્યા છે.
Our wild new paper "Using sequences of life-events to predict human lives" is finally out!!
— Sune Lehmann (@suneman) December 18, 2023
Check it out here: https://t.co/0OyKvUNuA1 pic.twitter.com/fxAcmDornj
રિપોર્ટ અનુસાર, ડેનમાર્કમાં લેહમેનની ટીમે આ એઆઈ ટૂલ માટે 2008 થી 2020 વચ્ચે 60 લાખ લોકો પર સંશોધન કર્યું હતું. આ સંશોધનમાં, life2vec દ્વારા આગાહી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આમાં, લોકોના જીવનની ઘટનાઓને એક ક્રમની જેમ બનાવવામાં આવી હતી.
આ અભ્યાસમાં વહેલા મૃત્યુનું કારણ બને તેવા પરિબળોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પરિબળો માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અથવા નોકરી વગેરે હતા. જ્યારે વધુ આવક અને લીડરશીપ રોલ જેવા પરિબળો લાંબા જીવન સાથે જોડાયેલા મળી આવ્યા હતા.
લેહમેનના જણાવ્યા અનુસાર, નૈતિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને, આ અભ્યાસમાં ભાગ લેનાર કોઈપણને તેમના જીવનના અનુમાન વિશે જણાવવામાં આવ્યું ન હતું. આ એઆઈ ટૂલ હજી સામાન્ય લોકો અથવા સંસ્થાઓ માટે ઉપલબ્ધ નથી. લેહમેન અને તેમની ટીમ તેના પર વધુ કામ કરવા માંગે છે કે કેવી રીતે આ પ્રાઈવસી સાથે સમાધાન કર્યા વિના એ પરિબળોની ઓળખ કરી શકે છે જેનાથી લોકોનું જીવન લાંબુ થઈ શકે, તેમ અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે.
જોકે એઆઈ ટૂલને આવા કોઈ નિર્ણાયક કામ માટે ઉપયોગમાં ન લેવાની હિમાયત કરવામાં આવે છે. આ ટેકનોલોજીની કોઈપણ પ્રકારની પૃષ્ટિ થઈ નથી.