ચાલુ ફ્લાઇટમાં ઝઘડ્યું દંપતી, વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું

નવી દિલ્હી: મ્યુનિખથી બેંગકોક જઇ રહેલા લુફ્થાન્સા એરલાઇન્સના એક વિમાનને પતિ પત્ની વચ્ચે થયેલી તકરારને પગલે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી. લુફ્થાન્સાની ફ્લાઇટ એલએલ 772ને પહેલા પાકિસ્તાનમાં લેન્ડ કરાવવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ એના બદલે દિલ્હી એરપોર્ટ પર તેનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
ન્યુઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર વિમાનમાં સવાર એક જર્મન મુસાફર અને તેમના થાઇ પત્ની વચ્ચે કોઇ વાતને લઇને તકરાર થઇ હતી જેને પગલે ભારે અશાંતિનો માહોલ સર્જાયો હતો અને છેવટે દિલ્હીના એરપોર્ટ પર તેના લેન્ડિંગ માટે વિનંતી કરવામાં આવી હતી. એરલાઇન્સના એક અધિકારીએ જણાવ્યું હતું મહિલાએ તેના પતિના વર્તન વિરુદ્ધ પાયલટને ફરિયાદ પણ કરી હતી.
53 વર્ષીય જર્મન મુસાફરે જમવાનું ફેંકી દીધું, લાઇટર વડે બ્લેન્કેટ સળગાવવાનો પ્રયાસ કર્યો, તેની પત્ની પર બૂમાબૂમ કરી હતી, આમ ફ્લાઇટમાં તેના ત્રાગાથી કંટાળીને પાયલટે વિમાન ડાયવર્ટ કરીને તેને ઉતારી મૂકવાનો નિર્ણય લીધો હતો. એરલાઇન્સ કંપની જર્મન દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે, હવે આ મુસાફરને પરત જર્મની મોકલવા અંગે નિર્ણય લેવાશે.
મુસાફરને ઉતારી મુક્યા બાદ એરલાઇન્સ દ્વારા નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું છે કે, “મ્યુનિખથી બેંગકોક જતી ફ્લાઈટ LH772 એક અનિયંત્રિત મુસાફરને કારણે દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી. વ્યક્તિને સંબંધિત અધિકારીઓને સોંપી દેવામાં આવી છે. ઘટનાને પગલે ફ્લાઇટને બેંગકોક પહોંચવામાં થોડો વિલંબ થશે તેવું અપેક્ષિત છે. ફ્લાઇટમાં મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સની સલામતી અને સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”