ટેક્સાસમાં ૯૦ ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાએ અમેરિકનોને ઘેલું લગાડ્યું

હ્યુસ્ટન: ભગવાન હનુમાનજીની ૯૦ ફૂટ ઊંચી કાંસ્યની પ્રતિમા ટેક્સાસમાં માઇલો દૂરથી જોઈ શકાય તેવું નવીનતમ સીમાચિહ્ન બની ગયું છે. આ પ્રતિમાનું તાજેતરમા અનાવરણ કરવામાં આવ્યું હતું. તેનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિયન આપવામાં આવ્યું છે, તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓમાંની એક છે અને અન્ય કેટલીક વિશિષ્ટતાઓ ધરાવે છે. ભારતની બહારની સૌથી ઊંચી હનુમાનજીની મૂર્તિ છે, ટેક્સાસમાં સૌથી ઊંચી અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે.
ન્યૂ યોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી (૧૫૧ ફીટ) અને ફ્લોરિડાના હેલેન્ડેલ બીચ (૧૧૦ ફીટ)માં પેગાસસ અને ડ્રેગન પછી અમેરિકાની આ ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. આયોજકોએ જણાવ્યું હતું કે ૧૫થી ૧૮ ઓગસ્ટ દરમિયાન ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારોહ દરમિયાન અહીંથી લગભગ ૩૫ કિલોમીટર દૂર સુગર લેન્ડ સ્થિત શ્રી અષ્ટલક્ષ્મી મંદિર ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ હનુમાન મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે નિઃસ્વાર્થ, ભક્તિ અને એકતાનું પ્રતીક છે.
આ પણ વાંચો: Gurupurnima નિમિત્તે સાળંગપુરના હનુમાનજીએ પહેર્યા આટલા મોંઘા વાઘા
આયોજકોએ ઉમેર્યું હતું કે ભગવાન રામ અને સીતાના પુનઃ મિલનમાં હનુમાનની મુખ્ય ભૂમિકાને માન આપવા માટે આ મૂર્તિનું નામ આ રીતે આપવામાં આવ્યું છે. આ વિસ્મયકારક માળખું પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા, અને પ્રખ્યાત વૈદિક વિદ્વાન પરમ પવિત્ર શ્રી ચિન્ના જીયર સ્વામીજીના દૂરંદેશી પ્રયાસોનું પરિણામ છે.
ઉત્સવોની શરૂઆત ૧૫ ઓગસ્ટના રોજ થઈ હતી, જે ભારતના સ્વતંત્રતા દિવસ સાથે સુસંગત છે અને ઉજવણીનો મુખ્ય ભાગ ૧૮ ઓગસ્ટે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સાથે સમ્પન્ન થયો હતો. આ સમારોહમાં હેલિકોપ્ટર દ્વારા મૂર્તિ પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી, પવિત્ર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને હજારો ભક્તો એકસાથે શ્રી રામ અને હનુમાનના નામનો ઉચ્ચાર કરી રહ્યા હતા તે વચ્ચે હનુમાનના ગળામાં ૭૨ ફૂટ લાંબી માળા પહેરાવી હતી.
આ પણ વાંચો: ફિલ્મ માટે બનાવાઇ 54 ફૂટની હનુમાનની મૂર્તિ, મેગાસ્ટાર ચિરંજીવીના એક્શન સીન્સમાં જોવા મળશે!
આ પ્રતિમા માત્ર હનુમાનની અદમ્ય ભાવનાના પ્રતીક તરીકે જ નહીં, પણ અમેરિકાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિવેશમાં એક નવું સીમાચિહ્નરૂપ પણ છે, જે તેની ભવ્યતાના સાક્ષી બનવા આવનાર તમામ લોકો માટે ભક્તિ, શક્તિ અને એકતાના સિદ્ધાંતોને મૂર્ત બનાવે છે.