ગાઝામાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ૮૫નાં મોત…

દેર અલ-બલાહઃ ગાઝા પટ્ટીમાં ગુરૂવાર રાતથી ઇઝરાયલી હવાઇ હુમલામાં ૮૫ લોકોના મોત થયા છે. જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો છે. આ જાણકારી ગાઝાના આરોગ્ય મંત્રાલયે આપી હતી. આ હવાઇ હુમલાઓ ઇઝરાયલ દ્વારા દક્ષિણ ગાઝાના ખાન યુનિસ અને રકાફ શહેરો અન ઉત્તર ગાઝાના બેત લાહિયા શહેર પર કરવામાં આવ્યા હતા.
મંત્રાલયના રેકોર્ડના પ્રભારી અધિકારી ઝહેર અલ-વહિદીએ જણાવ્યું કે મંગળવારે સવારે અચાનક બોંબમારો કરીને ઇઝરાયલે યુદ્ધવિરામ સમાપ્ત કર્યું ત્યાર બાદથી અત્યાર સુધીમાં કુલ ૫૯૨ લોકોના મોત નીપજ્યા છે. જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો હતા.
આ પણ વાંચો : યુદ્ધવિરામની ચર્ચા કરવા માટે પુતિને ટ્રમ્પને એક કલાક રાહ જોવડાવી? આ વીડિયોએ ચર્ચા જગાવી
ઇઝરાયલે મંગળવારે ગાઝામાં ફરી ભારે હવાઇ હુમલા શરૂ કર્યા હતા. ત્યારબાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થયું હતું. આ યુદ્ધવિરામ થોડા સમય માટે લડાઇ બંધ કરવા અને બે ડઝનથી વધુ બંધકોને મુક્ત કરવામાં મદદ કરવા માટે લાગુ કરવામાં આવ્યું હતું. ઇઝરાયલે ફરીથી લડાઇ માટે હમાસને જવાબદાર ઠેરવ્યું હતું. ઇઝરાયલે હમાસ પર ઇઝરાયલ સમર્થિત પ્રસ્તાવને નકારી કાઢવાનો આરોપ લગાવ્યો હતો.
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર એકલા મંગળવારે ૪૦૦થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા હતા. જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતા. હમાસ દ્વારા રોકેટ છોડવામાં આવ્યા હોવાના કે અન્ય હુમલા કરવામાં આવ્યા હોવાના કોઇ અહેવાલ નથી.