અફઘાનિસ્તાનમાં બે હાઇ-વે અકસ્માતમાં ૫૦ જણનાં મોતઃ ૭૬ ઘાયલ

કાબૂલઃ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વ ભાગમાં બે હાઇવે અકસ્માતમાં કુલ ૫૦ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૭૬ લોકો ઘાયલ થયા હતા, એમ આ જાણકારી એક સરકારી પ્રવક્તાએ આપી હતી.
ગઝની પ્રાંતના ગવર્નરના પ્રવક્તા હાફિઝ ઓમરના જણાવ્યા અનુસાર બુધવારે મોડી રાત્રે કાબુલ-કંધાર હાઇવે પર એક યાત્રી બસ અને ઓઇલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જ્યારે બીજી દુર્ઘટના એ જ હાઇ-વેના એક અલગ વિસ્તારમાં થઇ હતી, જે અફઘાન રાજધાનીને દક્ષિણ સાથે જોડે છે.
Also Read – પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ૧૧ આતંકવાદી ઠાર
ઓમરે જણાવ્યું હતું કે ઘાયલોને ગઝનીની હોસ્પિટલોમાં લઇ જવામાં આવ્યા છે. તેમજ સત્તાધીશો મૃતદેહોને પરિવારોને સોંપવાની પ્રક્રિયામાં છે. વધુ ગંભીર સ્થિતિવાળા દર્દીઓને કાબૂલ ખસેડવામાં આવ્યા છે.
મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હોવાનું ઓમરે જણાવ્યું હતું. નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં મુખ્યત્વે ખરાબ રસ્તાઓ અને ડ્રાઇવરની બેદરકારીને કારણે અકસ્માતો સામાન્ય છે.