બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીના મહા મુસીબતમાં! હત્યાના 40 કેસ નોંધાયા
ઢાકા: બાંગ્લાદેશમાં મોટા પાયે રાજકીય અશાંતિ ફેલાયા બાદ શેખ હસીના (Sheikh Hasina) વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી પરિવાર સાથે ભારતમાં શરણ લઇ રહ્યા છે. બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાઈ ચુકી છે, અને મોહમ્મદ યુનુસ(Muhammad Yunus)ની આગેવાનીમાં દેશમાં સ્થિતિ સામાન્ય કરવા પ્રયત્નો થઇ રહ્યા છે. બીજી તરફ બાંગ્લાદેશમાં શેખ હસીના અને તમની સાકારના સભ્યો સામે ગંભીર ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે.
શેખ હસીનાના ભૂતપૂર્વ કેબિનેટ સાથીદાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પાંચ વધુ હત્યાના કેસ નોંધવામાં આવ્યા છે. આ કેસો પછી હસીના સામે નોંધાયેલા કેસની સંખ્યા વધીને 49 થઈ ગઈ છે.એક સ્થાનિક અખબારે અહેવાલ આપ્યો છે કે પાંચ કેસમાંથી ત્રણ ઢાકામાં નોંધાયા હતા, જ્યારે નરસિંગદી અને બોગુરામાં બે-બે કેસ નોંધાયા હતા.
શેખ હસીના સામે નોંધાયેલા 49 કેસોમાં 40 હત્યાના, સાત માનવતા સામેના ગુના અને નરસંહારના ગુના છે, એક અપહરણનો અને એક બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના સરઘસ પર હુમલાનો સમાવેશ થાય છે.
ઢાકાના આશુલિયામાં 4 ઓગસ્ટના રોજ વિરોધ પ્રદર્શન દરમિયાન એક વેપારીની હત્યાનો કેસમાં હસીના અને અન્ય 46 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના રહેવાસીએ ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ મૈનુલ ઈસ્લામની કોર્ટમાં હસીના અને અન્ય 32 લોકો વિરુદ્ધ 5 ઓગસ્ટના રોજ એરપોર્ટ વિસ્તારમાં ધોરણ 12 ની વિદ્યાર્થીનીના મૃત્યુના સંબંધમાં બીજો કેસ દાખલ કર્યો હતો.
મોહમ્મદપુરના રહેવાસીએ ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાજેશ ચૌધરીની કોર્ટમાં 19 જુલાઈએ શહેરમાં 23 વર્ષના યુવકની હત્યાના સંબંધમાં હસીના અને અન્ય 67 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. નરસિંગડીમાં 19 જુલાઈના રોજ ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલન દરમિયાન એક વેપારીની હત્યાના સંબંધમાં હસીના અને અન્ય 81 લોકો સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
બોગુરામાં 2018 માં બીએનપી નેતાના અપહરણ અને હત્યાના કેસમાં શેખ હસીના, તેની બહેન શેખ રેહાના, પુત્ર સજીબ વાજેદ જોય, પુત્રી સાયમા વાજેદ પુતુલ અને અન્ય 76 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સરકાર વિરોધી વિરોધ વચ્ચે હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને 5 ઓગસ્ટે ભારત ગઈ હતી. બાંગ્લાદેશમાં તમની વિરુદ્ધ નોંધાયેલા કેસ બાદ તેનું વતન ફરવું લગભગ અશક્ય થઈ ગયું છે, જો તેઓ બાંગ્લાદેશ પરત ફરે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.