દેશની વસતી વધારવા જાપાને ગોત્યો રામબાણ ઇલાજ, કર્યું કંઇક એવું…
જાપાન તેની ઘટતી જતી વસ્તી અને વધતા જતા વૃદ્ધોની સંખ્યાથી ચિંતિત છે. યુવાનોની વસતીમાં થઇ રહેલા ઘટાડાથી દેશમાં કામકાજ પર પણ અસર પડી રહી છે. જાપાનની સરકારે આ સમસ્યાનો સામનો કરવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. સરકાર હવે તેના કર્મચારીઓ માટે ચાર દિવસનું કાર્ય સપ્તાહ લાગુ કરવા જઈ રહી છે.
ટોક્યોના ગવર્નર યુરીકો કોઈકે જાહેરાત કરી છે કે એપ્રિલ 2025થી મેટ્રો શહેરના સરકારી કર્મચારીઓને દર અઠવાડિયે ત્રણ દિવસની રજાનો વિકલ્પ મળશે.
ટોક્યો મેટ્રોપોલિટન એસેમ્બલીના ચોથા સત્રમાં તેમણે પોતાના નીતિગત સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, “અમે ફ્લેક્સિબિલીટી સાથે કાર્યશૈલીની સમીક્ષા કરીશું.અમે એ પણ ધ્યાનમાં રાખીશું કે કોઈને પણ બાળજન્મ દરમિયાન અથવા બાળજન્મ બાદ બાળકોને સંભાળ રાખવા જેવી બાબતોને લઇને કારકિર્દી છોડી દેવા જેવા પરિણામોનો સામનો કરવો ન પડે.”
જાપાનમાં લોકોનો પ્રજનન દર નોંધપાત્ર રીતે ઘટી ગયો છે. આ પહેલનો હેતુ જાપાની યુગલોમાં પ્રજનન ક્ષમતાને પ્રોત્સાહિત કરવાનો છે. કુટુંબની રચનાને પ્રોત્સાહન આપવા માટે સરકારના પ્રયાસોમાં વધારો થયો હોવા છતાં, આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ગયા વર્ષે પ્રજનન દર મહિલા દીઠ 1.2 બાળકો પર આવી ગયો હતો. વસ્તી સ્થિરતા માટે મિનિમમ 2.1 દરની જરૂર છે.
એવા સમયે ગવર્નર કોઈકે એક અનોખું પગલું લેવાનું સુચવ્યું, જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના માતા-પિતાને કેટલાક સેલેરી એડજસ્ટમેન્ટના બદલામાં તેમના કામના કલાકો ઘટાડવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, “હવે સમય આવી ગયો છે કે ટોક્યો દેશ માટેના આ પડકારજનક સમયમાં આપણા લોકોના જીવન, આજીવિકા અને અર્થવ્યવસ્થાના રક્ષણ અને વિકાસ માટે પહેલ કરે.”
Also Read – South Korea: રાષ્ટ્રપતિની ઓફીસ પર પોલીસે દરોડા પાડ્યા, આજે મહાભિયોગ માટે મતદાન
ગયા વર્ષે જાપાનમાં માત્ર 727,277 બાળકોનો જન્મ થયો હતો. આ ઓછો આંકડો દેશની ઓવરટાઇમ વર્ક કલ્ચરને આભારી હોઈ શકે છે. જાપાનમાં ઓવરટાઇમ વર્ક કલ્ચર છે, જેને કારણે મહિલાઓને કારકિર્દી અને માતૃત્વ વચ્ચે પસંદગી કરવી પડે છે. વર્લ્ડ બેંકના ડેટા દર્શાવે છે કે જાપાનની પુરૂષો અને મહિલાઓ વચ્ચેની રોજગારની અસમાનતા અન્ય સમૃદ્ધ દેશો કરતા વધારે થઇ ગઈ છે, જેમાં ગયા વર્ષે પુરુષોની 72%ની સરખામણીએ મહિલાઓની ભાગીદારી 55% હતી.
આવી સ્થિતિમાં સરકારનું માનવું છે કે પ્રસ્તાવિત ચાર દિવસનું કાર્ય સપ્તાહ સરકારી કર્મચારીઓને પારિવારિક જવાબદારીઓ માટે વધારાનો સમય આપી શકે છે.