પાકિસ્તાનમાં બે બસ અકસ્માતમાં ૩૭ જણનાં મોત
ઇસ્લામાબાદ/કરાચીઃ પાકિસ્તાનમાં આજે બે અલગ-અલગ બસ અકસ્માતના બનાવમાં ૧૧ યાત્રાળુઓ સહિત ૩૭ લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.
બલૂચિસ્તાન પ્રાંતમાં મકરાન કોસ્ટલ હાઇવે પર ૭૦ લોકોને લઇ જતી બસ પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત અને ૩૫ લોકો ઘાયલ થયા છે. આ બસ ઇરાનથી શિયા તીર્થયાત્રીઓને પંજાબ પ્રાંત પરત લાવી રહી હતી.
મકરાન કોસ્ટલ હાઇવે ૬૫૩ કિમી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે પાકિસ્તાનના અરબી સમુદ્ર કિનારે સિંધ પ્રાંતના કરાચીથી બલૂચિસ્તાન પ્રાંતના ગ્વાદર સુધી ફેલાયેલો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનેલા મોટા ભાગના મુસાફરો લાહોર અને ગુજરાંવાલાના હતા.
સૌથી મોટી ખાનગી એમ્બ્યુલન્સ સેવા ચલાવતી ઇધી ફાઉન્ડેશનના કમર નદીમે જણાવ્યું કે થોડા કલાકો પછી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ૩૫ લોકોને લઇ જતી એક બસ ખાણમાં પડી જતાં ૨૬ લોકોના મોત અને ત્રણ ઘાયલ થયા હતા.
સૂત્રો અનુસાર પહાડી વિસ્તારમાં સર્જાયેલા આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સાધનોટીના ડેપ્યુટી કમિશ્નર ઉમર ફારૂકે જણાવ્યું કે મૃતકોમાં બાળકો, મહિલાઓ અને પુરુષો સામેલ છે, આ તમામ સાધનોટી જિલ્લાના રહેવાસી હતા. ઘટનાસ્થળ પર પોલીસ, પ્રશાસન અને બચાવ દળ હાજર હતા.
રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ પંજાબના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે લોકોના મૃત્યુ પર સંવેદના અને દુઃખ વ્યક્ત કર્યું હતું.