ઈટલીમાં 33 ભારતીય મજૂરને બંધક બનાવી મજૂરી કરાવનારા 2 ભારતીય પકડાયા

રોમઃ ઇટલીના વેરોના પ્રાંતમાં ખેત-મજૂરોને બંધક બનાવી કામ કરાવવા બદલ બે ભારતીયની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ કામદારો ભારતીય છે. થોડા દિવસો પહેલા એક શીખ ખેતમજૂરના મોતથી દેશ આઘાતમાં હતો, ત્યારે ભારતીય મજૂરોની બળજબરીથી મજૂરી કરવાના કિસ્સામાં બે ભારતીયની ધરપકડ કરી છે.
સમાચાર એજન્સી એએનએસએએ શનિવારે રિપોર્ટ જાહેર કર્યો હતો કે ફાઇનાન્સ પોલીસે શંકાસ્પદ લોકો પાસેથી 475,000 યુરોની સંપત્તિ પણ જપ્ત કરી છે, જેઓ કૃષિ ક્ષેત્રની બે કંપનીઓના માલિક છે અને તેમાં કોઇ કર્મચારી નથી અને તેમના પર કર ચોરીનો આરોપ પણ છે.
ઇટાલિયન સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે શનિવારે બે પુરુષોની ધરપકડ કરવામાં આવી હતી અને બળજબરીથી મજૂરી અને કામદારોના શોષણ સહિતના ગુનાઓની તપાસ કરવામાં આવી રહી છે.
તાજેતરમાં 31 વર્ષીય શીખ ખેતમજૂર સતનામ સિંહના મૃત્યુ બાદ ઇટલીમાં બળજબરીથી મજૂરી કરાવવાનો મુદ્દો ઉઠ્યો હતો. ગયા મહિને સતનામ સિંહનો હાથ રોમ નજીકના લેઝિયોમાં ખેતરમાં કામ કરતા સમયે એક મશીનમાં આવીને કપાઇ ગયો હતો. તેના માલિકે સતનામ સિંહને સારવાર આપવાના બદલે તેને મરવા માટે રસ્તા પર છોડી મુક્યો હતો. એ વખતે સતનામ સિંહનું લોહી વહી જવાના કારણે મોત થયું હતુ. આ બનાવ પછી સમગ્ર દેશમાં પ્રશાસન દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.