ઇન્ટરનેશનલ

ચીનમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થતાં ૧૧નાં મોત

બીજિંગઃ ચીનમાં ભારે વરસાદ અને પૂર સાથે વાવાઝોડાએ પણ તબાહી મચાવી છે. જેમાં ઘણા લોકોના મોત થયા છે. તેમજ મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ચીનના દક્ષિણ-પૂર્વ ભાગમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતા એક મકાન ધરાશાયી થયું હતું. જેમાં ૧૧ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ચીની મીડિયાના સમાચારોમાં આ માહિતી આપવામાં આવી છે.
ચીનની ડિજિટલ ન્યૂઝ વેબસાઇટ ‘ધ પેપર’માં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે કે અન્ય એક ઘટનામાં ચીનના શાંઘાઇમાં તોફાનને કારણે એક વૃક્ષ પડી જવાથી કંપનીના પ્રતિનિધિનું મૃત્યુ થયું હતું.

અધિકારીઓએ શનિવારે કહ્યું કે ચીનમાં આ મૃત્યુ સંભવતઃ ઉષ્ણકટિબંધીય ચક્રવાત ‘જેમી’ના કારણે થયું છે. ચીનના સરકારી મીડિયા સીસીટીવીએ અહેવાલ આપ્યો છે કે હુનાન પ્રાંતના હેગયાંગ શહેરની નજીક સ્થિત યુએલિન ગામમાં સવારે લગભગ ૮ વાગ્યે ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થયું હતું. અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ભૂસ્ખલનમાં ૧૮ લોકો ફસાયા હતા અને છ ઘાયલ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

ભૂસ્ખલનની આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. જો કે તાજેતરના સમાચારોએ સ્પષ્ટ કહ્યું નથી કે અન્ય વ્યક્તિ હજુ પણ ગુમ છે કે કેમ. આ ઘટનામાં ઘાયલ લોકોને ગંભીર કે નાની-મોટી ઇજા થઇ છે કે કેમ તે અંગે કોઇ માહિતી નથી. ભારે વરસાદના કારણે પહાડો પરથી વહેતા પાણીના કારણે ભૂસ્ખલન થયું હોવાનું જાણવા મળ્યું છે. રાહત અને બચાવ ટીમો સ્થળ પર છે. અહીં એ જણાવવાનું ચીનમાં ચક્રવાતને કારણે ચીન સાથે તાઈવાન, ફિલિપાઈન્સમાં પણ મોટી જાનહાનિના સમાચાર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button