ઈન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટતા 11 પર્વતારોહકોના મોત

જાકાર્તાઃ ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટવાથી 11 પર્વતારોહકોના મોત થયા છે. રાહત અને બચાવ ટીમોએ તમામ 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. બચાવ અધિકારીઓનું કહેવું છે કે જ્વાળામુખી પાસે ત્રણ પર્વતારોહકો જીવતા મળી આવ્યા છે. કેટલાય પર્વતારોહકો હજુ પણ ગુમ છે અને તેમની શોધ ચાલી રહી છે.
સ્થાનિકોએ માહિતી આપી હતી કે શનિવારે ઘટનાના દિવસે કુલ 75 પર્વતારોહકો મેરાપી પર્વત પર ગયા હતા. એ સમયે જ્વાળામુખી ફાટ્યો હતો. જ્વાળામુખી ફાટ્યા બાદ સફેદ અને રાખોડી રાખ ફેલાઈ ગઇ હતી, જેના કારણે આસપાસના ગામો જ્વાળામુખીની રાખથી ઢંકાઈ ગયા છે અને કેટલાક પર્વતારોહકો ગુમ થયા છે.
જ્વાળામુખી વિસ્ફોટના સ્થળે પર્વત પર જતા બે માર્ગને હાલમાં બંધ કરવામાં આવ્યા છે. જ્વાળામુખીના મુખથી 3 કિલોમીટર દૂર ઢોળાવ પર આવેલા ગામોને સાવચેતીના પગલારૂપે ખાલી કરાવવામાં આવ્યા છે. વિસ્ફોટ બાદ જ્વાળામુખીમાંથી હજુ પણ લાવા બહાર આવવાની આશંકા છે.
નોંધનીય છે કે માઉન્ટ મેરાપી જ્વાળામુખી જાન્યુઆરીથી સક્રિય છે. જો કે હજુ સુધી આ જ્વાળામુખીને કારણે કોઈ નુકસાન થયું નથી, પણ હવે આ જ્વાળામુખી ફાટવાથી કરૂણાંતિકા સર્જાઇ છે. જ્વાળામુખીની રાખ 3000 મીટર દૂર સુધી ફેલાઈ ગઈ છે. વહીવટીતંત્રે લોકોને સાવચેતીના પગલાં લેવાની અને જ્વાળામુખીની રાખથી આંખોનું રક્ષણ કરવા માટે ગોગલ્સ પહેરવાની સલાહ આપી છે.