ઇન્ટરનેશનલનેશનલવેપાર

પ્રમુખપદની ચૂંટણીમાં ડૉનલ્ડ ટ્રમ્પની સરસાઈ સાથે વૈશ્વિક સોનામાં પીછેહઠ

સ્થાનિક સોનામાં રૂ. 460નો અને ચાંદીમાં રૂ. 2268નો કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનલ્ડ ટ્રમ્પ સરસાઈ મેળવી રહ્યાના અહેવાલો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. આમ વૈશ્શ્વક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 458થી 460નો ઘટાડો જોવા મળ્યો હતો.

જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 16 પૈસા ગબડીને ઐતિહાસિક નીચી 84.25 આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યો હતો. આમ રૂપિયો નબળો પડતાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી વિશ્વબજારની સરખામણીમાં સોનામાં ભાવઘટાડો મર્યાદિત જોવા મળ્યો હતો. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. 2268નો કડાકો બોલાઈ ગયો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં વેરા રહિત ભાવ કિલોદીઠ રૂ. 2268ના ઘટાડા સાથે રૂ. 91,992ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તથા રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ.

Also Read – US Election Result : અબકી બાર ટ્રમ્પ સરકાર ! 248 ઈલેકટોરેલ વોટ મળ્યા, 7 સ્વિંગ સ્ટેટમાંથી 6માં આગળ

458 ઘટીને રૂ. 77,793 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 460 ઘટીને રૂ. 78,106ના મથાળે રહ્યા હતા.
અમેરિકા ખાતે ગઈકાલે પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનલ્ડ ટ્રમ્પે ઉત્તર કેરોલિના અને જ્યોર્જિયા સહિતનાં ઘણાં રાજ્યોમાં કમલા હેરિસ સામે સરસાઈ મેળવી હોવાના નિર્દેશો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.64 ટકા ઘટીને આૈંસદીઠ 2726.09 ડૉલર અને વાયદામાં ભાવ 0.44 ટકા ઘટીને 2737.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.96 ટકાના કડાકા સાથે આૈંસદીઠ 32.02 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

વર્તમાન સપ્તાહમાં બજારની વધઘટનો આધાર 95 ટકા અમેરિકાની ચૂંટણી અને પાંચ ટકા આધાર આજથી શરૂ થઈ રહેલી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકના વ્યાજદરના કપાતના નિર્ણય પર હોવાનું કેપિટલ ડૉટ કૉમના ફાઈનાન્સિયલ માર્કેટ એનાલિસ્ટ ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે સોનું એ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર નીતિનું એક પરિબળ છે અને ટ્રમ્પના વિજય સાથે અમેરિકાની વિદેશ નીતિની અનિશ્ચિતતા ઉપરાંત મોટી વેપાર ખાધને ધ્યાનમાં લેતા લાંબા સમયગાળે સોનામાં સુધારાને ટેકો મળતો રહેશે.

વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વ બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે અર્થાત્‌‍ આવતીકાલે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે, પરંતુ રોકાણકારોની નજર બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ ભવિષ્યમાં નાણાનીતિ અંગે કેવું વલણ અપનાવવામાં આવશે તેના સંકેતો પર મંડાયેલી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button